શ્રીદેવીનું મૃત્યુ કુદરતી નથી, તેની હત્યા કરાઈ છે: સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી- બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના દુબઈમાં થયેલા અચાનક મૃત્યુ પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું છે કે, શ્રીદેવીનું મૃત્યુ કુદરતી નથી પણ તેની હત્યા કરવામાં આવી છે. સ્વામીએ આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે, બાથટબમાં ડૂબવાથી મૃત્યુ થાય તે વાત માનવામાં આવતી નથી.સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીના મૃત્યુની ઘટનાને અંડરવર્લ્ડ સાથે જોડતાં કહ્યું કે, ડૉન દાઉદ ઈબ્રાહીમ અને બોલિવૂડના સંબંધો અંગે પણ વિચાર કરવો જોઈએ. જોકે હજી સુધી આ ઘટના અંગે દુબઈ પોલીસ અથવા દુબઈના સરકારી વકીલ તરફથી શ્રીદેવીના મૃત્યુ પાછળ કોઇ ષડયંત્ર હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. સરકારી વકીલ આ મામલામાં હજી તપાસ કરી રહ્યાં છે, પણ દુબઈ પોલીસે પોતાના તરફથી આ મામલે ક્લિનચિટ આપી દીધી છે.

દુબઈ પોલીસે પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, શ્રીદેવી બેભાન થઈને બાથટબમાં પડી ગયાં અને ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.  જોકે સ્વામીના નિવેદન બાદ ઘટનામાં નવો વળાંક ચોક્કસ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સુબ્રમણ્યમ સ્વામી એ વ્યક્તિ છે જેમણે કોંગ્રેસના નેતા શશી થરુરના પત્ની સુનંદા પુષ્કરના મોતમાં પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મહત્વનું છે કે, સુનંદા પુષ્કર મામલે તપાસ ચાલી રહી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીના મૃત્યુ અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે મીડિયામાં શ્રીદેવીના મૃત્યુને લઈને અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યાં છે. સરકારી વકીલ આ અંગે કંઈ સ્પષ્ટ જણાવવા તૈયાર નથી. એક સ્પષ્ટતા એવી કરવામાં આવી છે કે, શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે, શ્રીદેવી શરાબ પીતા નહતા.