ભારતે પેગાસસને ઇઝરાયલથી સંરક્ષણ સોદામાં ખરીદ્યું: રિપોર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 2017માં મિસાઇલ પ્રણાલી સહિત હથિયારોની ખરીદી માટે બે અબજ ડોલરના સંરક્ષણના સોદામાં જ ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ ખરીદ્યું હતું, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં આ સ્પાયવેરનો ઉપયોગ અનેક ઠેકાણે કરવામાં આવ્યો હતો, જેમાં મેક્સિકો દ્વારા પત્રકારો અને વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યાં હતા. સાઉદી અરેબિયા દ્વારા મહિલા અધિકારની તરફેણના કાર્યકર્તાઓની સામે એનો ઉપયોગ કરવાનું સામેલ હતું. આટલું જ નહીં, જમાલ ખાશોગીની સામે પણ ઇઝરાયલી સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા નવા સોદા હેઠળ પોલેન્ડ, હંગેરી અને ભારત સહિત કેટલાય દેશોને પેગાસસ આપવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ, 2017માં ઇઝરાયલનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસ ત્યારે થયો હતો, જ્યારે ભારતે પેલેસ્ટાઇન અને ઇઝરાયલના સંબંધોને લઈને એક નીતિ બનાવી હતી. એ વખતે બંને દેશોની વચ્ચે સંરક્ષણનો બે અબજ ડોલરનો સોદો થયો હતો, જેમાં હથિયારો અને જાસૂસી સિસ્ટમની ખરીદી પણ સામેલ હતી. આ સોદામાં પેગાસસ પણ સામેલ હતો.

મિડિયા ગ્રુપોના એક વૈશ્વિક સંઘે જુલાઈ, 2021માં ખુલાસો કર્યો હતો કે વિશ્વભરની કેટલીય સરકારે પોતાના વિરોધીઓ, પત્રકારો, વેપારીઓ પર જાસૂસી કરવા માટે સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો. ભારત દ્વારા ધ વાયર દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે જે-જેની સામે જાસૂસી થવાની સંભાવના હતી, તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને માહિતી અને ટેક્નોલોજીપ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિત અનેક નામ હતાં. આ યાદીમાં એક ભૂતપૂર્વ એડિટર અને 40 અન્ય પત્રકારોનાં નામ પણ હતાં.