કશ્મીરમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીરમાં મોટી જીત હાંસલ કરી છે. એમણે બે એન્કાઉન્ટરોમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે. આ ત્રાસવાદીઓ પાકિસ્તાનમાંથી સક્રિય ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદના હતા. આ પાંચ ત્રાસવાદીઓમાં એક જણ જૈશનો ત્રાસવાદી ઝાહિદ વની પણ હતો. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારના જણાવ્યા મુજબ, પુલવામા જિલ્લાના નાઈરા અને બડગામમાં આ એન્કાઉન્ટર થયા હતા.

નાઈરામાં થયેલા એન્કાઉન્ટરમાં ઝાહિદ વની સહિત જૈશ-એ-મોહમ્મદના ચાર ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે બડગામમાં એક સ્થાનિક રહેવાસી, પણ પાકિસ્તાનમાંથી મદદ મેળવનાર ત્રાસવાદીને પતાવી નાખ્યો. એની પાસેથી એક એકે-56 રાઈફલ પણ મળી આવી છે.