શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર થયા પછી આતંકવાદી કામગીરીમાં વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટ, 2019 પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાંચ ઓગસ્ટ, 2019થી 16 જૂન, 2013 સુધીમાં 231 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ ડિવિઝનમાં છેલ્લાં ચાર વર્ષોમાં 71 ટકા વધુ ઘૂસણખોરીની ઘટનાઓ થઈ છે.
કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટ, 2019એ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરી દીધી હતી અને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું. ત્યાર પછી જમ્મુ ક્ષેત્રમાં આઠ ગ્રેનેડ અને 13 IED હુમલા નોંધાયા હતા. જ્યારે 27 ઓક્ટોબર, 2015થી ચોથી ઓગસ્ટ, 2019 સુધીમાં ચાર ગ્રેનેડ અને સાત IED હુમલા નોંધાયા હતા.
આ સાથે IED વિસ્ફોટોમાં મોતની સંખ્યા 2015-19ની તુલનાએ છેલ્લાં ચાર વર્ષોમાં 73 ટકા વધીને (2019-2023)માં 11 થઈ હતી. આતંકવાદીઓ દ્વારા ગોળીબારની અને હિટ એન્ડ રનના કેસોમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જોકે છેલ્લાં વર્ષોમાં આતંકવાદી હુમલાઓમાં નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આર્ટિકલ 370 દૂર થયા પછી સાત નાગરિકોની હત્યા થઈ હતી. એટલે કે એમાં 63 ટકાનો ઘટાડો થયો હતો.
જવાનોનાં મોતોની સંખ્યામાં ઘટાડો
આતંકવાદી હુમલાઓમાં પોલીસ અને સુરક્ષા દળોના મોતોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વિવિધ હુમલાઓમાં 29 કર્મચારીઓનાં મોત થયાં હતાં અને 32 અન્ય ઘાયલ થયા હતા.