મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા શ્રી 1008 પાર્શ્વનાથ પ્રભુનું દિગંબર જૈન દેરાસર તોડી પાડવામાં આવતાં જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. BMCએ નોટિસ જારી કર્યા બાદ સોસાયટીના રહીશોએ બોમ્બે હાઈકોર્ટમાં આ કાર્યવાહી સામે અરજી કરી હતી, પરંતુ સુનાવણી પહેલાં જ તંત્રએ દેરાસર ધ્વસ્ત કરી નાખ્યું. આનાથી ગુસ્સે થયેલા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ દેરાસરનું પુનઃનિર્માણ તે જ સ્થળે કરવાની માંગ કરી.
આ ઘટના સામે મુંબઈ સહિત દેશભરના જૈન સમાજે વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્ય પરાગ અલવાણી અને કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડ સામેલ થયા. અલવાણીએ જણાવ્યું કે, “અમે સત્તાધારી પક્ષના હોવા છતાં દુઃખી છીએ. આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવીશું.” કોંગ્રેસ નેતા પવન ખેડાએ ભાજપ પર આક્ષેપ કર્યો કે આ કાર્યવાહી દેશની સહિષ્ણુતા સામેનું કાવતરું છે. શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ ભાજપના વિરોધને “નાટક” ગણાવીને પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે BMC ભાજપના નિયંત્રણમાં છે, તો આવું નાટક કેમ?
જૈન સમાજનો આક્ષેપ છે કે દેરાસર દાયકાઓ જૂનું હતું અને નજીકની રાધા કૃષ્ણ હોટલના માલિકે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી હતી. સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરી હોવા છતાં BMCએ ઉતાવળમાં કાર્યવાહી કરી. લોકોનો દાવો છે કે BMC અધિકારીઓ અને હોટલ માલિક વચ્ચે મિલીભગત હતી. વર્ષા ગાયકવાડે જણાવ્યું, “શાંતિપૂર્ણ જૈન સમાજને રસ્તા પર ઉતરવું પડ્યું. BMCએ મહિલાઓ પર હુમલો કર્યો અને આ પૂર્વનિયોજિત ષડયંત્ર હતું.” BMCએ જણાવ્યું કે દેરાસર ગેરકાયદે હોવાથી નોટિસ આપી હતી, પરંતુ સંરચના ન હટાવતાં કાર્યવાહી કરવી પડી. તેમણે આશ્વાસન આપ્યું કે લોકોને ત્યાં પ્રાર્થનાની મંજૂરી મળશે.
