નવી દિલ્હીઃ દિલ્હીની બધી સાત સીટો સહિત છ રાજ્યોમાં અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 લોકસભા સીટો પર ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માટે ગુરુવારે ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. છઠ્ઠા તબક્કામાં શનિવારે ઉત્તર પ્રદેશની 14 સીટો, હરિયાણાની બધી 10 સીટો, બિહાર ને પશ્ચિમ બંગાળની આઠ-આઠ સીટો, ઓડિશાની છ સીટો, ઝારખંડની ચાર સીટો અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર મતદાન થશે.
લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 543 સીટોમાંતી 428 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. 25 મેએ છઠ્ઠા તબક્કામાં મતદાન પછી સાતમા અને છેલ્લા તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે અને ચોથી જૂને ચૂંટણી પરિણામો આવશે.
ચૂંટણીના આ છઠ્ઠા તબક્કામાં જે મુખ્ય હસ્તીઓની કિસ્મત દાવ છે, એમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર, ઉત્તર પ્રદેશના સુલતાનપુર સીટથી ભાજપનાં મેનકા ગાંધી અને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજોરી સીટછી PdPનાં મહેબૂબા મુફ્તી સામેલ છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના તમલૂકથી ભાજપના અભિજિત ગંગોપાધ્યાય, હરિયાણાના કરનાલ સીટથી મનોહરલાલ ખટ્ટર, કુરુક્ષેત્રથી નવીન જિંદલ અને ગુરુગ્રામ સીટથી રાવ ઇન્દ્રજિત સિંહ પર છઠ્ઠા તબક્કામાં મતદાનમાં નજર રહેશે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભોજપૂરી ફિલ્મઅભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ સહિત 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ અને હરિયાણામાં એક-એક ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ઇન્ડિયા બ્લોક પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગાયએ દૂધ આપ્યું નથી, ત્યાં ઘીને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે.