લખનઉઃ ‘हम मिट्टी में मिल गए’ પોતાના પુત્ર અસદ અહેમદનું એક પોલીસ એન્કાઉન્ટરમાં મોત પછી અતીક અહેમદે આવું કહ્યું હતું. અતીકને માત્ર વ્યક્તિગત આંચકો જ નથી લાગ્યો, પણ નાણાકીય આંચકો પણ લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે માત્ર 50 દિવસોમાં અતીકની ગેન્ગને તહસનહસ કરી દીધી છે. યોગી સરકારે અતીક અને તેના સાગરીતોની રૂ. 1400 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે એને ગુનાઇત તરીકે એકઠા કરવામાં આવ્યા હતા. અતીકને તપાસ એજન્સી EDથી પણ મોટો આંચકો લાગ્યો છે. EDએ અતીકની રૂ. 100 કરોડથી વધુ સંપત્તિઓનો ખુલાસો કર્યો છે. આ સિવાય EDએ 50થી આશરે શેલ કંપનીઓ વિશે પણ માલૂમ કર્યું છે, જેના દ્વારા અતીકની ગેન્ગે જબરદસ્તી વસૂલીથી ભેગા કરેલા કાળાં નાણાં સફેદ કરતો હતો.
અતીકની સામે 100થી વધુ ગુનાના કેસો હોવા છતાં વર્ષ 2017થી પહેલાં તે હંમેશાં જામીન મેળવવામાં સફળ થઈ જતો હતો. તેની સામે પહેલો કેસ 1979માં નોંધવામાં આવ્યો હતો, પણ પ્રદેશમાં કેટલીય સરકારો બની કોઈ પણ કેસમાં તેને દોષી ઠેરવવામાં નહોતો આવતો, કેમ કે સાક્ષીઓ ફરી જતા હતા અથવા ગાયબ થઈ જતા. જોકે યોગી સરકારના કાર્યકાળમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અપહરણ કેસમાં આકરી કાર્યવાહીને પગલે અતીકને આજીવન સજાની સાથે પહેલી વાર દોષી ઠેરવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં કહ્યું હતું કે અમે માફિયાઓને માટીમાં ભેળવી દઈશું. તેઓ પોતાની વાતમાં સાચા સાબિત થયા.