રાયપુરઃ છત્તીસગઢમાં મતદાનના માત્ર એક દિવસ પહેલાં IED બ્લાસ્ટ થયો છે. છત્તીસગઢના કાંકેરમાં મતદાનના ઠીક એક દિવસ પહેલાં પંખાજૂર ક્ષેત્રના છોટેબેટિયા સ્ટેશન વિસ્તારમાં અનાજ ખરીદી કેન્દ્રની પાસે નકસલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ IED બ્લાસ્ટમાં એક BSF જવાન અને બે મતદાન કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઘાયલ BSF કોન્સ્ટેબલની ઓળખ પ્રકાશ ચંદ તરીકે કરવામાં આવી છે. તેના પગમાં ઇજા થઈ હતી અને તેને સારવાર માટે છોટેબેટિયા લઈ જવામાં આવ્યો હતો. આ IED વિસ્ફોટમાં બે મતદાન અધિકારીઓને પણ મામૂલી ઇજા થઈ હતી.
આ વિસ્ફોટ એવા સમયે થયો હતો, જ્યારે BSF અને જિલ્લા દળની સંયુક્ત પાર્ટી કાંકેર જિલ્લાના છોટેબેટિયા સ્ટેશનના ચાર મતદાન ગ્રુપોને લઈને કેમ્પ મારબેડાથી રેંગાઘાટી રેંગાગોંદી મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું.આ ઘટનાક્રમ છત્તીસગઢમાં મતદાનના એક દિવસ પહેલાં થયો છે. 90 સભ્યોવાળી વિધાનસભા માટે સાત અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે, જ્યારે મતોની ગણતરી ત્રીજી ડિસેમ્બેર થશે.
નારાયણપુર જિલ્લાના મુરહાપદર ગામમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બોમ્બને નિષ્ક્રિય કરવા દરમ્યાન ITBPનો એક જવાન ઘાયલ થયો હતો. આ ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.