અરબી-સમુદ્રમાં આકાર લેતું ‘તૌક્તે’ ચક્રવાતઃ માછીમારોને ચેતવણી

મુંબઈઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા સમુદ્રી વાવાઝોડું ‘તૌક્તે’ને ધ્યાનમાં લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારીના વિભાગ માટે ચેતવણી બહાર પાડી છે. તેણે જણાવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના પશ્ચિમી કાંઠા પરના માછીમારોને ચેતવી દેવામાં આવે કે તેઓ દરિયામાં આગળ ન વધે અને એમના નિકટના બંદર ખાતે પાછા ફરી જાય.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્ર પરના આકાશમાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાઈ રહ્યું છે. 14 મેની સવાર સુધીમાં દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરના આકાશમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. ત્યાંથી એ ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધશે અને 16 મે સુધીમાં ધીમે ધીમે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, ગોવા અને મહારાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોને માઠી અસર પડે એવી સંભાવના છે. ત્યાં 14-16 મેના દિવસો દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આકાર લઈ રહેલા ચક્રવાતને ‘તૌક્તે’ નામ મ્યાનમારના વૈજ્ઞાનિકોએ આપ્યું છે. મ્યાનમારની ભાષામાં આનો અર્થ થાય છે અત્યંત અવાજ કરનારી ગરોળી. 20 મેએ ચક્રવાત ગુજરાતના કચ્છ ક્ષેત્ર પરથી પસાર થઈને દક્ષિણ પાકિસ્તાનની દિશા પકડી શકે છે. જો એવું થશે તો ચક્રવાત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં 17-18 મે સુધીમાં પહોંચશે. ટૂંકમાં, આવતા એક અઠવાડિયામાં આ વાવાઝોડું આવવાની સંભાવના છે.