નવી દિલ્હીઃ ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ બનાવનાર ચેન્નાઈસ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી કંપનીને પ્રોજેક્ટ પ્રોફેશનલોએ બનાવેલા રાષ્ટ્રીય એસોસિએશન – ઈન્ડિયન પ્રોજેક્ટ મેનેજમેન્ટ એસોસિએટ્સ તરફથી પ્રતિષ્ઠિત એવો ‘નેશનલ પ્રોજેક્ટ્સ એક્સેલન્સ એવોર્ડ’ આપવામાં આવ્યો છે.
ઉક્ત સંસ્થા દ્વારા અન્ય ચાર પ્રોજેક્ટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યા છે. તેમાં દેશમાં સ્વદેશી ટેક્નોલોજીથી વિમાન વાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત તેમજ ચિનાબ નદી પર રેલવે બ્રિજ પ્રોજેક્ટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યા છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર બી.જી. માલ્યાને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નીતિ આયોગના સભ્ય વિજયકુમાર સારસ્વતના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.