શિવસેના છોડી નથી, છોડવાનો પણ નથી: એકનાથ શિંદે

ગુવાહાટીઃ શિવસેનાના નેતા અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ પક્ષના 30થી વધારે વિધાનસભ્યો સાથે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકારતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિંદે એમના સાથી બળવાખોર વિધાનસભ્યોને લઈને પહેલા સુરત પહોંચ્યા હતા. ત્યાંથી એ આસામના ગુવાહાટી પહોંચ્યા હોવાનો અહેવાલ છે. બળવો પોકાર્યા બાદ પહેલી જ વાર કરેલા નિવેદનમાં શિંદેએ કહ્યું છે કે એમને 40 વિધાનસભ્યોનો ટેકો છે. ‘હિન્દુત્વના મુદ્દા પર બાળાસાહેબ ઠાકરેએ આપેલી શિખામણ અને ધર્મવીર આનંદ દિઘેએ આપેલી શિખામણને શિવસેના વિધાનસભ્યો કોઈ પણ પરિસ્થિતિમાં ભૂલી જાય એવા નથી. સત્તા માટે હોય કે રાજકારણ હોય કે  સમાજકારણ માટે હોય, અમે હિન્દુત્વ વિશે બાળાસાહેબ ઠાકરેની સ્પષ્ટ ભૂમિકાને આગળ વધારીએ છીએ. અમે શિવસેના પાર્ટીને છોડી નથી, છોડવાના પણ નથી.’

ગુવાહાટી એરપોર્ટ પર શિંદેનું સ્વાગત ભાજપના વિધાનસભ્ય સુશાંતા બોરગોહેને કર્યું હતું. બોરગોહેને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હું એમને તેડવા માટે આવ્યો છું. એમની સાથે કેટલા વિધાનસભ્યો છે એનો મારે કોઈ ઉલ્લેખ કરવો નથી. હું તો વ્યક્તિગત સંબંધને કારણે અહીં આવ્યો છું.’