રાજકારણમાં જોડાવાની મારી કોઈ ઈચ્છા નથીઃ સુધા મૂર્તિ

બેંગલુરુઃ શિક્ષણશાસ્ત્રી, લેખિકા, દાનવીર અને ઈન્ફોસીસ ફાઉન્ડેશન સંસ્થાનાં અધ્યક્ષા સુધા મૂર્તિએ દેશના રાજકારણમાં જોડાવાની સંભાવના વિશે તાજેતરમાં વાતચીત કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી છે કે રાજકારણમાં જોડાવામાં તેમને કોઈ રસ નથી, અને પોતે જે રીતે કાર્ય કરે છે એમાં જ ખુશ છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિએ કહ્યું કે, નવી દિલ્હીમાં દેશનું નવું સંસદભવન ખૂબ જ સુંદર છે. એનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. તે નિહાળવાની મને ઘણા વખતથી ઈચ્છા હતી. આજે તે સપનું સાકાર થયું છે. આ ઈમારતમાં ભારતીય કળા, સંસ્કૃતિ, ઈતિહાસ – એમ બધું જ વણી લેવામાં આવ્યું છે.