‘તૌકતે’ વાવાઝોડું: પાંચ રાજ્યોમાં રેસ્ક્યુ ટીમ તહેનાત

નવી દિલ્હીઃ હવામાન વિભાગે (IMD) શનિવારે કહ્યું છે કે ચક્રવાતી વાવાઝોડું પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની ઉપર બનેલું છે અને ગુજરાત અને દીવના તટવિસ્તારોમાં એક યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ કહ્યું હતું કે ‘તૌકતે’ છ કલાકમાં એક ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદિલ થશે. તોફાનને લીધે કેરળ સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તામિલનાડુમાં કોડેયાર નદીઓ ઉફાન પર હતી. IMDએ જણાવ્યું હતું કે 18 મેએ સવારે આ તોફાન ગુજરાતના તટ વિસ્તારથી ટકરાશે. આ વાવાઝોડા માટે પાંચ રાજ્યોમાં રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આગામી ચક્રવાત ‘તૌકતે’ની તૈયારીઓની સમીક્ષા માટે ટોચના સરકારી અધિકારીઓ અને નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝેસ્ટર રિલીફ ફોર્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના તટીય  જિલ્લાઓમાં અધિકારીઓએ ચક્રવાત ‘તૌકતે’ વિશે IMDની ચેતવણીને મુદ્દે સતર્ક અને સુસજ્જ રહેવામાં નિર્દેશ આપ્યા છે.

એરલાઇન કંપની ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ચક્રવાત ‘તૌકતે’ને લીધે કન્નુરથી આવતી અને જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

વિસ્તારા એરલાઇને કહ્યું હતું કે અરબી સમુદ્રમાં પ્રતિકૂળ મોસમની સંભાવનાને કારણે ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચી, બેન્ગલુરુ, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદની 17 મે, 2021 સુધી પ્રભાવિત થવાની સંભાવના છે. NDRFના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તૌકતે વાવાઝોડા માટે 24 ટીમો પહેલેથી તહૈનાત કરી છે અને પાંચ ટીમોને અલગ રાખી છે.