નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે 25 મેથી દેશમાં સ્થાનિક વિમાન સેવા ફરી શરૂ કરાઈ ત્યારથી લઈને ગુરુવાર, 28 મે સુધીમાં કુલ 1,827 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા 1,65,605 લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો.
ગુરુવારે જ 494 સ્થાનિક ફલાઇટ્સ દ્વારા 38,708 પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરી હતી
દેશમાં લોકડાઉનને પગલે આશરે બે મહિનાના ગાળા પછી હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ હજી પણ સસ્પેન્ડ છે. સોમવારથી લઈને ગુરુવાર સુધીમાં 1827 સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા 1,65,605 લોકોને દેશમાં જુદા જુદા શહેરોમાં લાવવા-લઈ જવામાં આવ્યા હતા. પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 28 મે, 2020 સુધીમાં 494 ફ્લાઇટ્સમાં 38,078 પેસેન્જર્સને લઈ જવામાં આવ્યા હતા અને 493 ફ્લાઇટ્સ દ્વારા 38,389 પેસેન્જર્સ આવ્યા હતા.
પુરીનું કહેવું છે કે દેશમાં વિમાન સેવા છ મહિનામાં, દિવાળી સુધીમાં રાબેતા મુજબ થઈ જશે.
16 પેસેન્જરો કોરોના સંક્રમિત
સ્થાનિક હવાઈ સેવા ફરી શરૂ થયા સાત વિવિધ ફ્લાઇટ્સમાં ઇન્ડિગોમાં 13 પેસેન્જર્સ સહિત 16 પેસેન્જરો કોરોના સંક્રમિત થયાં હોવાનું માલૂમ પડ્યું હતું. સોમવારે 428 સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા 30,550 પેસેન્જર્સે પ્રવાસ કર્યો હતો અને મંગળવારે 445 ફ્લાઇટ્સ દ્વારા 62,641 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી, જ્યારે બુધવારે 460 ફ્લાઇટ્સમાં 34,336 પેસેન્જર્સે મુસાફરી કરી હતી.
દેશમાં ફેબ્રુઆરીમાં લોકડાઉન પહેલાં આશરે સ્થાનિક ફ્લાઇટ્સમાં દૈનિક ધોરણે 4.12 લાખ પેસન્જર્સ અવરજવર કરતા હતા, જ્યારે લોકડાઉન પહેલાં સ્થાનિક એરપોર્ટસ દૈનિક ધોરણે 3000 સ્થાનિક ફ્લાઇટ્સોનું સંચાલન થતું હતું એમ એવિયેશન ઉદ્યોગનાં સૂત્રોએ કહ્યું હતું.
3840 શ્રમિક ટ્રેનો દોડી
રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું હતું કે પાછલા એક સપ્તાહમાં અમે પ્રતિદિન આશરે ત્રણ લાખ પ્રવાસી મજૂરોને તેમનાં ગંતવ્ય સુધી પહોંચાડ્યા હતા. આ સિવાય 28 મે સુધી 3840 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી હતી, જેમાં 52 લાખ યાત્રીઓ આવ-જા કરી ચૂક્યા છે. પાછલા એક સપ્તાહમાં સરેરાશ 1524 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો આશરે 20 લાખ યાત્રીઓની આવ-જા કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે 24 મેએ બધી રાજ્ય સરકારોથી તેમની ટ્રેનોની જરૂરિયાત પૂછી હતી, એ આશરે 923 ટ્રેનોની હતી. આજે માત્ર 449 ટ્રેનોની જરૂર છે.