હિઝબુલ મુજાહિદ્દીનના કશ્મીર વડા સૈફુલ્લા મીરનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ આજે જમ્મુ અને કશ્મીરના શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં થયેલા એક એન્કાઉન્ટરમાં એક ખૂંખાર ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કશ્મીર વડો સૈફુલ્લા મીર ઉર્ફે ગાઝી હૈદર હતો.

કશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે આ સમાચારને સમર્થન આપ્યું છે. એમણે કહ્યું કે રાવલપોરા એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદી કમાન્ડર સૈફુલ્લા માર્યો ગયો છે અને બીજા એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે.

સૈફુલ્લા મીર બુરહાન વાની ગ્રુપનો આખરી જીવતો ત્રાસવાદી હતો. એ 31 વર્ષનો હતો અને રિયાઝ નાઈકુ ઠાર મરાયા બાદ આતંકવાદી સંગઠને એને નવા વડા તરીકે નિયુક્ત કર્યો હતો.

સૈફુલ્લા મીરને સુરક્ષા દળોએ A++ કેટેગરીનો ત્રાસવાદી ગણાવ્યો હતો. જમ્મુ-કશ્મીરમાં એ મોસ્ટ વોન્ટેડ હતો.

આજનું એન્કાઉન્ટર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને સીઆરપીએફના જવાનોની સંયુક્ત ટીમે હાથ ધર્યું હતું.

બાતમી મળ્યા બાદ સુરક્ષા જવાનોએ ત્રાસવાદીઓ જ્યાં છુપાયા હતા એ સ્થળને ઘેરી લીધું હતું.