હિન્દી દિવસઃ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ત્રીજી ભાષા ‘હિન્દી’

નવી દિલ્હીઃ આજે હિન્દી દિવસ છે. 1949માં આજના દિવસે ‘હિન્દી’ને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો. દેશમાં 1947માં સ્વતંત્ર થયો, ત્યારે મોટી સમસ્યાઓમાં એક સમસ્યા ભાષાને લઈને પણ હતી. દેશમાં સેંકડો ભાષા અને બોલી બોલાઈ રહી છે. જોકે હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. એને કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દીને જનમાનસની ભાષા કહી હતી.

સંવિધાન સભાએ લાંબી ચર્ચાને અંતે 14 સપ્ટેમ્બરે એ નિર્ણય લીધો હતો કે હિન્દી જ ભારતની રાષ્ટ્રભાષા હશે. સંવિધાનના આર્ટિકલ 343 (1)માં એનો ઉલ્લેખ છે, જે અનુસાર ભારતની રાષ્ટ્રભાષા હિન્દી અને લિપિ દેવનાગરી છે. વર્ષ 1953થી હિન્દીના પ્રચાર-પ્રસાર માટે પ્રતિ વર્ષ 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઊજવવાનો પ્રારંભ થયો હતો.

જોકે હિન્દીને સત્તાવાર ભાષા પસંદ કર્યા બાદ બિન-હિન્દી ભાષી રાજ્યોનો વિરોધ શરૂ થયો. સૌથી વધુ વિરોધ દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી થયો હતો. આ વિરોધને જોતાં બંધારણ લાગુ થવાનાં આગામી 15 વર્ષો સુધી અંગ્રેજીને પણ ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે દક્ષિણ ભારતીય રાજ્યોએ અંગ્રેજીને લઈને પણ વિરોધ માટે આંદોલન કર્યું હતું. એટલા માટે સરકારે 1963માં રાષ્ટ્રભાષા વટહુકમ લાવવો પડ્યો. જેથી અંગ્રેજીને 1965 પછી કામકાજની ભાષા તરીકે સામેલ રાખી હતી. હાલ દેશમાં 22 ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો મળેલો છે. વિશ્વમાં હિન્દી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશમાં 77 ટકા લોકો હિન્દી બોલે, સમજે અને ભણે છે.