હિમાચલ પ્રદેશ આર્થિક સંકટના કળણમાં: રાજ્ય પર અધધધ દેવાં

શિમલાઃ હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ રાજ્યની ખરાબ આર્થિક સ્થિતિથી નિપટવા એક મોટું એલાન કર્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ સહિત બે મહિના સુધી વેતન-ભથ્થાં ના લેવાનું એલાન કર્યું છે. રાજ્ય પર રૂ. 87,000 કરોડનાં દેવાં છે, જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધી વધીને રૂ. 94,992 કરોડ થઈ જશે. આમ રાજ્યમાં દરેક વ્યક્તિ પર રૂ.1.17 લાખનું દેવું છે.

કોંગ્રેસના CMએ રાજ્યનાં દેવાંનું ઠીકરું વિરોધ પક્ષ ભાજપ પર ફોડ્યું છે. રાજ્યને આર્થિક સંકટમાં ધકેલવા માટે જવાબદાર પાછલી ભાજપ સરકાર છે. અમને આ દેવાં વિરાસતમાં મળ્યું છે. અમે રાજ્યની આવકમાં સુધારો કર્યો છે. પાછલી સરકારે પાંચ વર્ષમાં રૂ. 665 કરેડની આવક આબકારીથી એકત્ર કરી હતી, જ્યારે અમે એક વર્ષમાં રૂ. 485 કરોડની કમાણી કરી હતી. અમે રાજ્યની નાણાકીય સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.

CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે જૂન, 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે રાજ્યને વાર્ષિક રૂ 2500થી 3000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને કારણે રાજ્યને રૂ. 2000 કરોડનો બોજ પડ્યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.

તેમણે કહ્યું હતું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ ગ્રાન્ટ રૂ. 8058 કરોડ હતી, જે આ વર્ષે ઘટીને રૂ. 6258 કરોડ થઈ છે. એટલે કે રૂ. 1800 કરોડનો ઘટાડો થયો છે, એમ તેમણે કહ્યું હતું.