પંજાબમાં સ્થિતિ નહીં સુધરે તો હાઇવે પ્રોજેક્ટસ રદ કરાશેઃ ગડકરી

નવી દિલ્હીઃ પંજાબમાં થઈ રહેલી હિંસક ઘટનાઓની અસર હાઇવે પ્રોજેક્ટ્સ પર પડી રહી છે. જેથી કેન્દ્રીય હાઇવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ પંજાબના CM ભગવંત માનને ચેતવણી આપી હતી. ગડકરીએ માનને પત્ર લખતાં કહ્યું છે કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી. જો એમાં સુધારો  નહીં થાય તો NHAI આઠ હાઇવે પ્રોજેક્ટ્સ રદ કરી દેવામાં આવશે.

રાજ્યમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન કામ રોકવા માટે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. આ આઠ પ્રોજેક્ટની કુલ કિંમત 14288 કરોડ રૂપિયા છે. રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી આ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેનો એક ભાગ અમૃતસર સાથે પણ જોડવાનો છે. નીતિન ગડકરીએ એન્જિનિયરો અને કોન્ટ્રેક્ટરો પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ NHAI અધિકારીઓને આ પ્રોજેક્ટમાં રોકાયેલા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.

નીતિન ગડકરીએ તેમના પત્રમાં જમીન અધિગ્રહણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે પુરાવા તરીકે આ પત્રની સાથે હુમલાની તસવીરો પણ મોકલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે CMએ સીધો હસ્તક્ષેપ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે અને FIR નોંધીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેવી વિનંતી છે.

ગડકરીએ એક મહિના પહેલા હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજી હતી અને ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા અને જમીન સંપાદન મુદ્દાઓને ઉકેલવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, બલકે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.  ગડકરીએ કહ્યું કે જમીન સંપાદનના બાકી મુદ્દાઓને કારણે પણ અનેક જગ્યાએ કોન્ટ્રેક્ટરોને નિશાન બનાવવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે તો હાઈવેના આઠ પ્રોજેક્ટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. NHAIએ જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે ત્રણ હાઇવે પ્રોજેક્ટ્સ પહેલેથી જ રદ કરી દીધા છે.