મુકેશ અંબાણી, પરિવારની સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારજનોને તેઓ દેશમાં તથા વિદેશમાં જ્યાં પણ પ્રવાસે જાય ત્યારે ઉચ્ચતમ એવું ઝેડ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવું. ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી Z+ સુરક્ષા કવચ મેળવનાર આ દેશનો પહેલો ઉદ્યોગપતિ પરિવાર છે.

ન્યાયમૂર્તિઓ કૃષ્ણ મુરારી અને એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આદેશમાં જણાવ્યું છે કે ભારત સરકારે ઘડેલી નીતિ અનુસાર, અંબાણી પરિવારજનોને ભારતભરમાં ઉચ્ચતમ Z+ સુરક્ષા પૂરી પાડવાની રહેશે અને આની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રહેશે. અંબાણી પરિવારજનો વિદેશ પ્રવાસે જાય ત્યારે એમને આ જ પ્રકારની સુરક્ષા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂરી પાડવાની રહેશે. ન્યાયાધીશોએ વધુમાં એમ પણ ઠેરવ્યું છે કે ભારતમાં કે વિદેશ પ્રવાસ વખતે પૂરી પાડવામાં આવનાર આ સુરક્ષા વ્યવસ્થા પાછળનો સમગ્ર ખર્ચ અંબાણી પરિવારે ભોગવવાનો રહેશે.

અંબાણી પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો ખર્ચ અત્યાર સુધી સરકાર ઉઠાવતી હતી.

અંબાણી પરિવારનાં સભ્યોને સુરક્ષા કવચ પૂરું પાડવાનો મુદ્દો દેશમાં જુદા જુદા સ્થળોએ અને જુદી જુદી હાઈકોર્ટમાં ચર્ચાનો વિષય બન્યો હોવાથી સર્વોચ્ચ અદાલતે ઉક્ત ચુકાદો આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]