હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવીઃ કોઈ બેન્ક અકાઉન્ટ ફ્રીઝ નથી થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનું એક પણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ નથી થયું. દેશભરમાં કોંગ્રેસના 100થી વધુ એકાઉન્ટ છે, જેમાં અલગ-અલગ જગ્યાએ કરોડો રૂપિયા જમા છે. એમાંથી દિલ્હીની પાંચ બેન્કોના 11 એકાઉન્ટ્સમાં ઇન્કમ ટેક્સે બાકી લેણાંની રિકવરી કરી છે, પણ આ 11 એકાઉન્ટ્સ પણ ફ્રીઝ નથી કરવામાં આવ્યા.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે વડા પ્રધાન મોદી પર તીખો હુમલો કર્યો હતો અને લોકતંત્ર ખતમ થવાની કાગારોળ કરી હતી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશમાં વિરોધી દળોને પરેશાન કરવામાં આવે છે. ચૂંટણી લડવાથી અટકાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈ કંઈ બોલતું નથી. દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. લોકતંત્રને નામે મજાક થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ પાર્ટીની એ અરજીઓ ફગાવી છે, જેમાં ટેક્સ રિએસેસમેન્ટ પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને પુરુષેન્દ્ર કુમાર કૌરવની ખંડપીઠે રિટ અરજીઓને ફગાવતાં કહ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી પૂરી થવાના થોડા દિવસ પહેલાં આ પ્રકારની અરજીઓ ફાઇલ કરવાનું કોઈ ઔચિત્ય નજર નથી ચઢતું.

ઇન્કમ ટેક્સના નિયમો મુજબ રાજકીય પક્ષોને છૂટ મળે છે, પણ એની ચાર શરતો છે. જો એનું પાલન ના થયું તો છૂટ નથી મળતી. કોંગ્રેસ રિટર્ન ભરવામાં ઢીલ કરી હતી. પાર્ટી 2018નું રિટર્ન 2019માં ભર્યું હતું, જેની સમયમર્યાદા નીકળી ચૂકી હતી.