દેશમાં ગંભીર હીટવેવની સાથે ‘રેમલ’ વાવાઝોડાનું હાઇ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં પહેલી માર્ચથી અત્યાર સુધી 16,000 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર થયા છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી NCRના કેટલાક ભાગોમાં, પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગંભીર હીટવેવની સંભાવના છે અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ ભાગોમાં હીટવેવની સંભાવના છે.

બીજી બાજુ 24થી 26 મે સુધી કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકમાં વીજ ચમકવા અને તેજ હવાઓની સાથે વરસાદની સંભાવના છે. કોસ્ટલ આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા અને અંતરિયાળ કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27 મેએ ભારે વરસાદ, જ્યારે 26 અને 28 મેએ પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સાથે ઉત્તર તરફ વધતા ગંભીર વાવાઝોડું રેમલ સાગર દ્વીપ અને ખેપુપારાની વચ્ચે બંગલાદેશ અને એની આસપાસના પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક ડૌ. આનંદકુમાર દાસે જણાવ્યું હતું કે વાવાઝોડું શનિવારે રાતે આવવાની સંભાવના છે, પરંતુ રાહતની વાત એ છે કે એ ભારતમાં નહીં, પણ બંગલાદેશમાં વિનાશ વેરે એવી શક્યતા છે.

દેશમાં એપ્રિલ, 2024એ ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. આ વર્ષે ઉત્તર ભારતમાં ઇતિહાસમાં સૌથી ગરમ એપ્રિલ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે એપ્રિલમાં સરેરાશ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ રહ્યું હતું.