નવી દિલ્હીઃ કોરોના વાઇરસે દેશભરમાં કાળો કેર વર્તાયો છે, જેને પગલે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશવ્યાપી લોકકડાઉનને કારણે 130 કરોડ લોકો થોડાક દિવસ માટે ઘરમાં (નજરકેદ) કેદ થઈ ગયા છે. જોકે આના લીધે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન પણ આવ્યાં છે. આ પરિવર્તન ભલે કામચલાઉ આવ્યાં હોય, પણ સરસ અનુભૂતિ લઈને આવ્યાં છે. ઘરની બાલ્કનીમાંથી આકાશ સ્પષ્ટ અને સ્વચ્છ લાગે છે, નદીનું પાણી સ્વચ્છ થયું છે. વાહનોનું પ્રદૂષણ અને ઘોંઘાટ ખતમ થઈ ગયાં છે. ચારેકોર નીરવ શાંતિ લાગી રહી છે.
ગંગા-યમુનાનાં પાણી સાફસૂથરાં
દિલ્હીમાં યમુનાનું પાણી લોકડાઉન દરમ્યાન સાફસૂથરું અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે. નદીઓનાં પાણીને સ્વચ્છ કરવા માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચીને પણ જે પરિણામ નથી મળ્યાં એવાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના કાનપુર તેમ જ વારાણસીથી ગંગા નદી એકદમ સ્વચ્છ લાગી રહી છે. હાલ મોટા ભાગના ઉદ્યોગોના બંધનું આ પરિણામ હોઈ શકે. ભાગ્યે જ જોવા મળે એમ વારાણસીનાં પગથિયાં પર માછલીઓ જોવા મળી છે. અહીં એવું લાગે છે કે લોકોની ભીડ અને હવાનું પ્રદૂષણ ઘટતાં આ શક્ય બન્યું છે.
લોકડાઉનને પગલે અનેક ઉદ્યોગો-ઓફિસો બંધ છે,તેથી યમુના વધુ સ્વચ્છ દેખાઈ રહી છે. પાણીની ગુણવત્તા ઘણી સુધરી છે, જે નજરે ચઢી રહી છે.
હવાની ગુણવત્તામાં સુધારો
દેશભરમાં હવાની ગુણવત્તામાં ખાસ્સો સુધારો થયો છે, કેમ કે દિલ્હીના પ્રદૂષણમાં 71 ટકાનો ઘટાડો નોંધાયો છે એની સાથે દેશભરનાં શહેરોના પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે વિશ્વભરના પ્રદૂષણમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે, કેમ કે વાહનો, ઓફિસ અને ફેક્ટરીઓ બંધ છે અને લોકોનો આખો દિવસ ઘરમાં વ્યતીત થઈ રહ્યો છે.
યમુના બચાવો આંદોલનકર્તા કહે છે કે વર્ષ 1990થી માંડીને અત્યાર સુધી આવું પહેલાં ક્યારેય થયું નથી. ઔદ્યોગિક કચરો નદીમાં નહીં ઠલવાતાં નદીનો નજારો બદલાઈ ગયો છે.
ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો
નિષ્ણાતોનું માનવું છે કે લોકડાઉનને લીધે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. કાનપુરની આસપાસની પાસે ગંગા નદી એકદમ સાફસૂથરી થઈ ગઈ છે.
