આજે મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી; મુંબઈમાં શાળા-કોલેજો બંધ છે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુસળધાર વરસાદ પડી રહ્યો છે. અમુક જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા સ્થળે પૂર આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. કેટલાક સ્થળો માટે રેડ એલર્ટ તો કેટલાક માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યા છે.

ક્યાં રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ, થાણે, પાલઘર, પુણે, સાતારા, રત્નાગિરી ચંદ્રપૂર, ગડચિરોલી જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે જ્યારે રાયગડ, સિંધુદુર્ગ, કોલ્હાપૂર, ભંડારા, ગોંદિયા, નાગપૂર, યવતમાળ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરાયું છે. ગઈ કાલે બેસુમાર વરસાદ પડતાં નિચાણવાળા અનેક ભાગોમાં પાણી ભરાયા હતા. મુંબઈમાં આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ હતો, પણ વચ્ચે અમુક સમય માટે વરસાદ ધીમો પડતાં કે અટકી જતાં પાણી ઓસરી જાય છે.

બંગાળના અખાતમાં હવાના ઓછા દબાણનો પટ્ટો સર્જાયો છે. પવનની ગતિ વાયવ્ય ખૂણા તરફની રહેવાની સંભાવના છે. આગામી ચારથી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈમાં શાળા-કોલેજો આજે બંધ

મુંબઈમાં આજે રેડ એલર્ટ ઘોષિત કરાયું હોઈ મહાનગરપાલિકાએ તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને જુનિયર કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુંબઈમાં ગઈ કાલે સવારે 8થી રાતના 10 વાગ્યા સુધીમાં 100 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2005ની 26 જુલાઈએ મુંબઈમાં આભ ફાટ્યું હતું અને અમુક જ કલાકોમાં મુંબઈ 33 ઈંચ વરસાદ પડ્યો હતો. એને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા તેમજ અનેક લોકો તથા પશુઓનાં મોત નિપજ્યા હતા. મહાપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે આજે તેમણે અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું. જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં શહેરમાં 1,557.8 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. શહેરના ઈતિહાસમાં જુલાઈ મહિનામાં પડેલો અત્યાર સુધીનો આ સૌથી વધુ વરસાદ છે.