ગુવાહાટીઃ સિક્કિમમાં ગંગટોકના નાથુલાથી જોડનારા જવાહરલાલ નેહરુ રોડની પાસે મોટું હિમસ્ખલન થયું છે. સિક્કિમના નાથુલા પહાડોમાં આજે ભારે હિમસ્ખલનથી છ પ્રવાસીઓનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થઈ ગયા છે. હિમસ્ખલન પછી બરફમાં ફસાવાની આશંકા છે. બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હિમસ્ખલનમાં 150થી વધુ પ્રવાસીઓ હોવાની સૂચના મળી છે. કેટલાક લોકોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની માહિતી મળી છે. હાલ ઘટના પછી બચાવ કાર્ય જારી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે ગંગટોકના નાથુલાના જવાહરલાલ નેહરુ રોડ પર પર 15મા માઇલ પર થયેલા હિમસ્ખલનમાં છ પ્રવાસીઓનાં મોત થયાં છે, જ્યારે 80થી વધુ લોકોના બરફમાં ફસાયેલા હોવાની આશંકા છે. આ હિમસ્ખલન મંગળવારે બપોરે આશરે 12.20 કલાકે થયું હતું. આ હિમસ્ખલનમાં ઘાયલ થયેલા છ લોકોએ નજીકની સેનાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે.
પોલીસ જણાવ્યાનુસાર 150થી વધુ પ્રવાસીઓ હજી પણ 15 માઇલથી આગળ ફસાયેલા છે. દરમ્યાન બરફમાં ફસાયેલા 30 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ગંગટોક એટીએનએમ હોસ્પિલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
