હિન્દુ ધર્મથી નફરત કરે છે I.N.D.I.A. ગઠબંધનઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મની વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના ગઠબંધન INDIA પર નિશાન સાધ્યું છે. શાહે વિપક્ષના ગઠબંધન પર મતબેન્ક તથા તુષ્ટિકરણ કરવાના રાજકારણ માટે સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહપ્રધાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમણે હિન્દુ સંગઠનોને લશ્કરે તૈયબાથી વધુ ખતરનાક જણાવ્યા છે. હવે વિરોધ પક્ષોના નેતાઓ INDIAના નેતાઓ મત બેન્ક તથા તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મ સંદર્ભે વાત કરી છે.

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના પુત્ર ને તેમના મંત્રીમંડળમાં મંત્રી ઉદયનિધિએ વિવાદિત નિવેદન આપીને રાજકીય તોફાન ઊભું કર્યું હતું. દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની યુવા શાખાના સચિવની ટિપ્પણીથી તેમણે અને તેમની પાર્ટીએ ભાજપના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું હતું કે તામિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર સહિત DMKના નેતા કહી રહ્યા છે કે સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ. શાહે રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે આ લોકો મત બેન્કની અને તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી છે. અમારી સંસ્કૃતિ, અમારો ઇતિહાસ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે બજેટ પર પહેલો અધિકાર અલ્પસંખ્યકોનો છે, જ્યારે અમે કહીએ છીએ કે બજેટ પર પહેલો અધિકાર ગરીબોનો, આદિવાસીઓનો અને દલિતોનો અને પછાતોનો છે. આ લોકો મત બેન્કની લાલચમાં અલ્પસંખ્યકોનો પહેલો અધિકાર સિદ્ધ કરી દીધો છે, એમ તેમણે કહ્યુ હતું.