ચંડીગઢઃ હરિયાણામાં આજથી કોરોના વાઈરસની રસી (કોવાક્સીન – Covaxin)ની અજમાયશનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં આ રસીનું ઈન્જેક્શન મૂકાવીને ચરણની શરૂઆત કરાવી હતી. વિજ ભારતના પહેલા સ્વાસ્થ્ય પ્રધાન છે જેમણે કોરોનાની રસીનો ટ્રાયલ ડોઝ પોતાના શરીરમાં લીધો છે.
વિજે આ રસીનું ઈન્જેક્શન પીજીઆઈ, રોહતકના નિષ્ણાત ડોક્ટરો તથા પીજીઆઈ હેલ્થ યુનિવર્સિટીના ડોક્ટર ઓ.પી. કાલડાની હાજરીમાં લીધું હતું. રસી મૂકતા પહેલાં ડોક્ટરોએ અનિલ વિજના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. ઈન્જેક્શન આપ્યાના લગભગ એક કલાક સુધી વિજ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા હતા.
ટ્રાયલમાં સામેલ થતા પૂર્વે જ અનિલ વિજે કહ્યું હતું કે એમનો ઉદ્દેશ્ય વધુને વધુ લોકો રસીકરણમાં સામેલ થાય એ માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ પોતે એક સ્વયંસેવક તરીકે ટ્રાયલમાં સામેલ થયા હતા અને પોતાના શરીરમાં રસી મૂકાવી હતી.