કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે આજે સાંજે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના નવથી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, આગામી સૂચના સુધી આ રાત્રિ કરફ્યુ લાગુ રહેશે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે.

સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા

આ સમીક્ષા બેઠકમાં અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યના નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી, એમ કહેતાં તેમણે હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ હોવાની વાતને અફવા ગણાવી હતી.

રાજ્યમાં સ્થિતિ કાબૂમાં

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોસ્પિટલોમાં સ્થિતિ કાબૂમાં છે, એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સહિત બોન્ડેડ ડોક્ટરોએ ફરજ ઉપર હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જો ડોક્ટરો હાજર નહીં થાય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાત્રિ કરફ્યુ માટે વેપારી સંગઠનોની માગ

સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકીય સંસ્થાઓ, વેપારી સંગઠનોએ સામેથી રાત્રિ કરફ્યુની માગ કરી હતી. આવી માગને ધ્યાનમાં રાખીને કોર કમિટીની મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતી કાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. આજે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા છે અને સાત વ્યક્તિનાં મોત થયાં છે, જેથી કોરોના સંક્રમિતોનો આંકડો 1,94,402એ પહોંચ્યો છે. રાજ્યમાં 1040 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.