કોઝીકોડેઃ ભારતમાં પેલેસ્ટાઈન રાષ્ટ્રના રાજદૂત અદનાન અબૂ અલ-હૈજાએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હમાસ કોઈ આતંકવાદી સંગઠન નથી, પણ સ્વતંત્રતા સેનાનીઓ છે, જેઓ કબજા સામે લડી રહ્યા છે.’ અલ-હૈજાએ ઈઝરાયલની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, ‘કબજો કરનારા જ આતંકવાદી છે અને એમણે પેલેસ્ટાઈનમાંથી ચાલ્યા જવું જોઈએ. પેલેસ્ટાઈનને અન્ય દેશોની જેમ શાંતિ અને સ્વતંત્રતાપૂર્વક રહેવા દેવું જોઈએ.’
હમાસ સાથે ઈઝરાયલના હાલ ચાલી રહેલા યુદ્ધમાં પેલેસ્ટાઈનનાં લોકોને સાથ આપવા બદલ અલ-હૈજાએ કેરળ રાજ્યનાં લોકોનો આભાર માન્યો છે. એમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, ‘રાજધાની શહેર તરીકે પૂર્વ યેરુસલેમ સાથે પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના નહીં કરાય તો ઈઝરાયલ સાથે ઘર્ષણ કાયમ ચાલુ રહેશે.’ ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનની જનતા માટે વિમાન મારફત રાહત સામગ્રી મોકલવા બદલ અલ-હૈજાએ ભારત સરકારનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ 7 ઓક્ટોબરે હમાસના 2,000 જેટલા ઉગ્રવાદીઓએ પડોશના ઈઝરાયલની સરહદ ઓળંગીને ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કર્યો હતો અને 1,200 જણને મારી નાખ્યા હતા અને બીજા ઘણાયને ઘાયલ કર્યા હતા. ઉગ્રવાદીઓ 250 જેટલા લોકોને ઉપાડી ગયા હતા અને ગાઝા સ્ટ્રીપમાં એમને બાનમાં રાખ્યા હતા. તે હુમલાને પગલે ઈઝરાયલે ગાઝામાં હમાસના અડ્ડાઓ પર જોરદાર હવાઈ આક્રમણ કર્યું હતું.
હમાસના શાસનવાળા ગાઝા સ્ટ્રીપની સરકારનો દાવો છે કે ઈઝરાયલના હુમલામાં 14,000થી વધારે લોકો માર્યા ગયા છે જેમાં 5,000થી વધારે બાળકો છે. હાલ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે. આ માટે બંનેએ એક સમજૂતી કરી છે. યુદ્ધવિરામ મૂળ ચાર દિવસનું હતું, પરંતુ ત્યારબાદ એને એક-એક દિવસ વધારવામાં આવ્યું છે. આજે એનો સાતમો દિવસ છે. હમાસ અને ઈઝરાયલ, એમણે પકડેલા એકબીજાના નાગરિકોને થોડા થોડા કરીને મુક્ત કરી રહ્યા છે.