ગુજરાતનાં રમખાણોનો કેસઃ મોદીને ક્લીન ચિટને પડકારતી અરજીની સુનાવણી જાન્યુઆરીમાં

નવી દિલ્હી – 2002માં ગોધરાકાંડ બાદ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પરના હુમલા સહિત ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને રોકવામાં તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્યોએ પગલાં લેવામાં કથિતપણે ઉદાસીન વલણ દાખવ્યું હતું એવો એમની પર આરોપ મૂકવામાં આવ્યો હતો. એને પગલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ યોજવામાં આવી હતી અને એણે મોદી તથા અન્યોને નિર્દોષ જાહેર કર્યા હતા. SITના એ નિર્ણયને ઝાકીયા જાફરીએ પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે જાફરીની અરજી પરની સુનાવણી આવતા વર્ષના જાન્યુઆરી સુધી મુલતવી રાખી દીધી છે.

ઝાકીયા જાફરી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય એહસાન જાફરીના વિધવા છે. મોદી તથા અન્યોને SIT દ્વારા ક્લીન ચિટ આપવાના નિર્ણયને માન્ય રાખતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવિલકર અને હેમંત ગુપ્તાએ આ કેસની સુનાવણી માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી મુલતવી રાખી દીધી છે. ઝાકીયાનાં વકીલ તરીકે ઉપસ્થિત રહેલા સિનિયર લૉયર કપિલ સિબ્બલે કોર્ટને એમ કહ્યું હતું કે એમને આ કેસના સંબંધમાં વધુ દસ્તાવેજો સુપરત કરવા છે તેથી વધારે સમયની જરૂર છે.

ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષની પાંચ ઓક્ટોબરે આપેલા ચુકાદામાં SITના નિર્ણયને બહાલી આપી હતી. SITની રચના સુપ્રીમ કોર્ટે જ કરી હતી. SIT તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તથા અન્ય રાજકીય નેતાઓ સામે કેસ કરવાનું એને કોઈ કારણ જણાતું નથી. એના નિષ્કર્ષને મેજિસ્ટ્રેટની કોર્ટે માન્ય રાખ્યું હતું.

ઝાકીયા જાફરીનું કહેવું છે કે અનેક અમલદારો, પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ કથિત ષડયંત્ર ઘડ્યું હતું, ઉશ્કેરણી ફેલાવી હતી અને દ્વેષપૂર્ણ ભાષણો કર્યા હતા જેને કારણે 2002માં કોમી હિંસા ફાટી નીકળી હતી. જાફરીએ 2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને સળગાવી દેવાની ઘટના અને એને કારણે 59 કારસેવકોનાં મરણ નિપજ્યાની ઘટનાનો પણ પોતાની પીટિશનમાં ઉલ્લેખ કર્યો છે.