પ્રદૂષણની સમસ્યાઃ દિલ્હી સરકારને 25 કરોડ રુપિયાનો દંડ…

નવી દિલ્હીઃ વધી રહેલી પ્રદૂષણની સમસ્યા મામલે દિલ્હી સરકાર પર એનજીટીએ દંડ લગાવ્યો છે. એનજીટીએ દિલ્હી સરકાર પર 25 કરોડનો દંડ લગાવ્યો છે. આ મામલે દિલ્હી સરકારની મુશ્કેલી એ છે કે દંડની રકમ દિલ્હી સરકારના ખજાનામાંથી નહી પરંતુ સરકારી અધિકારીઓની સેલેરીમાંથી વસૂલવામાં આવશે.

એનજીટીએ પણ સ્પષ્ટ કર્યું કે જો દિલ્હી સરકાર રાશિ જમા ન કરાવી શકે તો 10 કરોડ રુપિયાનો દંડ વસૂલાશે. એનજીટીએ આ નિર્ણય જૂના મામલાની સુનાવણી દરમિયાન સંભળાવ્યો છે. એનજીટીએ સ્પષ્ટ જોયું કે દિલ્હી સરકારે પહેલાં આપવામાં આવેલા આદેશોનું પાલન નથી કર્યું.

આ પહેલાં દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનું સ્તર તેજ ગતિથી આગળ વધવા પર એનજીટીએ કડક પગલા ભર્યાં હતાં. સરકારી તંત્રના પ્રદૂષણ પર રોક લગાવવામાં નિષ્ફળ જવા પર એનજીટીએ ઓક્ટોબરમાં દિલ્હી સરકાર પર 50 કરોડનો દંડ લગાવ્યો હતો. દિલ્હીની આપ સરકાર પર આ દંડ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગો પર લગામ કસવામાં નિષ્ફળ જવા પર લગાવવામાં આવ્યો હતો.

પ્રદૂષણ સામેની જંગમાં દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન તો લાગુ કરી દેવામાં આવ્યો હતો પરંતુ તેની અસર ન દેખાઈ. સ્થિતિ એ હતી કે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ જનરેટર સેટ પર પ્રતિબંધની નોટિસ જ ઈશ્યૂ નહોતી કરી. અને એટલા માટે જ અલગઅલગ જગ્યાએ જનરેટર ચાલતાં દેખાયાં હતાં.