નવી દિલ્હીઃ આરોગ્ય વીમો ખરીદવો તમારા માટે સસ્તો થાય એવી શક્યતા છે. આગામી GST કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમા પર GSTના દરોને હાલના 18 ટકાથી ઘટાડવાનો નિર્ણય સરકારે લીધો છે. મોદી સરકાર GSTમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. સરકાર GSTના માળખામાં ફેરફાર કરવાની છે, જેમાં વેપારીઓ અને ઉદ્યોગને રાહત મળી શકશે. રેવન્યુ સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે GSTના માળખા ફેરફાર કરવાનું કામ ચાલી રહ્યું છે.
સરકાર આરોગ્ય. વીમા પર GSTના દરોની સમીક્ષા કરવા માટે તૈયાર છે. કોરોના રોગચાળા દરમ્યાન આરોગ્ય પર લોકોનો ખર્ચ વધ્યો છે, આવામાં વીમા ક્ષેત્ર પણ આરોગ્ય વીમા પર GST દર ઘટવાની માગ કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
આગામી GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યોના નાણાપ્રધાનોની પેનલ દરોને તર્કસંગત બનાવવા માટે રિપોર્ટ સોંપશે. પેનલે એ ઇનવર્ટડ ડ્યુટી માળખા હેઠળ આઇટમ્સની પણ સમીક્ષા છે, જેથી રિફંડ ઓછા કરી શકાય.
આરોગ્ય વીમા ઉદ્યોગે સરકારને વિનંતી કરી છે કે તે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ માટેના પ્રીમિયમ ઉપર વ્યક્તિઓને 80-D કરકપાતનો લાભ તત્કાળ વધારી આપે. ઉદ્યોગે એમ પણ કહ્યું છે કે હેલ્થ પોલિસીઓને જીવન વીમા કવર સાથે જ ગણીને એના જેવી જ કરરાહત આપવી જોઈએ. જીવન વીમા પોલિસીઓ માટે પાંચ ટકા જીએસટી દર છે જ્યારે હેલ્થ વીમા પર 18 ટકા જીએસટી લાગુ કરાય છે.