નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠકમાં સોમવારે કેટલાય મહત્ત્વના એલાન કરવામાં આવ્યા છે, જેમાં હવે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી રૂ. 2000થી ઓછી ચુકવણી કરવા પર 18 ટકા GST લાગશે. એ 18 ટકા GST ટ્રાન્ઝેક્શનની મર્ચન્ટ ફી (પેમેન્ટ ગેટવેને અપાનારો શૂલ્ક) પર વસૂલવામાં આવશે. એ નિર્ણય GSTની કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. હાલમાં પેમેન્ટ એગ્રીગેટર્સને રૂ. 2000થી ઓછીની રકમની લેવડદેવડ પર GSTની ચુકવણીમાંથી છૂટ છે.
GST કાઉન્સિલે આ નિર્ણય ફિટમેન્ટ કમિટીની સલાહ પર લીધો છે, જેણે પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાવવાવાળી કંપનીઓથી મર્ચન્ટ ફી પર 18 ટકા GST વસૂલવાની ભલામણ કરી હતી. GST કાઉન્સિલમાં સામેલ બધાં રાજ્યોના પ્રતિનિધિઓએ આ મામલામાં પેમેન્ટ ગેટવે કંપનીઓને કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
GST કાઉન્સિલની આ બેઠકમાં વીમા પ્રીમિયમ પર GST દૂર કરવાના નિર્ણયને હાલપૂરતો ટાળી દેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં એ મામલા પર વિચાર કરવામાં આવશે.