…તો શીખોની હત્યા રોકી શકાઇ હોતઃ મનમોહનના નિવેદનથી જામી ચર્ચા

હૈદરાબાદઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના 1984 ના શીખ રમખાણો મામલે આપેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. તેમના નિવેદન પર પૂર્વ ગૃહ મંત્રી પી. વી. નરસિમ્હારાવના પૌત્ર એન. વી. સુભાષે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા સુભાષે ડો. સિંહના નિવેદન પર દુઃખ વ્યક્ત કરતા પ્રશ્ન કર્યો છે કે શું એક ગૃહમંત્રી કેબિનેટની મંજૂરી વગર કોઈ નિર્ણય કરી શકે?

સુભાષે કહ્યું કે, પી.વી.નરસિમ્હારાવના પરિવારનો સભ્ય હોવાના કારણે હું ડો. મનમોહન સિંહના નિવેદનથી ખૂબ દુઃખી છું. આ સ્વીકારી ન શકાય. શું કોઈ ગૃહમંત્રી કેબિનેટની મંજૂરી વગર કોઈ નિર્ણય કરી શકે?  ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે કહ્યું હતું કે, 1984 માં જો પૂર્વ ગૃહમંત્રી પી.વી.નરસિમ્હારાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ માની હોત તો દિલ્હીમાં શીખોની હત્યા ન થઇ હોત.

ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે, દિલ્હીમાં જ્યારે 1984ના શીખ રમખાણો થઈ રહ્યા હતા, ત્યારે ગુજરાલ તત્કાલિન ગૃહમંત્રી નરસિમ્હારાવ પાસે ગયા હતા. તેમણે રાવને કહ્યું કે, સ્થિતિ એટલી ગંભીર છે કે સેનાને જલ્દી બોલાવી લેવી જરુરી છે. જો ગુજરાલની સલાહ નરસિમ્હારાવે માનીને આવશ્યક કાર્યવાહી કરી હોત તો કદાચ 1984 ના નરસંહારથી બચી શકાયું હોત.