99 ટકા માર્કસ લાવનારો સરકારી પટાવાળો ‘મુન્નાભાઈ MBBS’ નીકળ્યો

બેંગલુરુઃ સરકારી નોકરી મેળવવા યુવા કેવા-કેવા જુગાડ કરે છે. કોર્ટની સરકારી નોકરી મેળવવા માટે કેટલાક યુવા મુન્નાભાઈ MBBS જેમ યેનકેનપ્રકારેણ નકલી સર્ટિફિકેટ લાવીને સરકારી નોકરી હાંસલ કરી લે છે, પણ ક્યારેક આ દેશી જુગાડ ઊંધો પડી જાય છે.

કર્ણાટકમાં કોપ્પલ કોર્ટના જજે પટાવાળાની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જજે પટાવાળાની 10માની 99 ટકાવાળી ડિગ્રી જોઈ તો તેઓ દંગ રહી ગયા, કેમ કે પટાવાળાને વાંચવા-લખતાં જ નહોતું આવડતું. જજે પટાવાળાની 10માની માર્કશીટ પર સંદેહ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. 23 વર્ષનો પ્રભુ લક્ષ્મીકાંત લોકરે કોપ્પલ કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. તેણ હાલમાં ધોરણ 10ની પરીક્ષામાં 99.5 ટકા પ્રાપ્ત કર્યા પછી કોર્ટમાં પટાવાળાના રૂપમાં નોકરી હાંસલ કરી હતી. જોકે તેની આ સફળતાએ જજના મનમાં આશંકા પેદા કરી હતી, કેમ કે તેઓ કન્નડ ભાષામાં લખવા અને વાંચવામાં અક્ષમ હતો. તેની સામે 26 એપ્રિલે પ્રભુની સામે એક FIR નોંધવામાં આવી છે.

પોલીસે FIR પછી પ્રભુની માર્કશીટ અને સ્કૂલના શિક્ષણની તપાસ કરી, જે પછી સત્ય બહાર આવ્યું છે. તપાસમાં માલૂમ પડ્યું હતું કે રાયચૂર જિલ્લાના સિંધનૂર તાલુકાના પ્રભુએ માત્ર સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે કોપ્પલ કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, જે પછી તેનું પોસ્ટિંગ યાદગીર જિલ્લા અને સેશન કોર્ટમાં થઈ ગયું છે.

પ્રભુના સર્ટિફિકેટ અનુસાર તેણે SSLC (Secondary School Leaving Certificate)માં 625માંથી 623 માર્ક પ્રાપ્ત કર્યા હતા. પ્રભુને વર્ષોથી ઓળખતા જજને માલૂમ હતું કે તે કન્નડ, હિન્દી અને અંગ્રેજી ભાષા લખી કે વાંચી નથી શકતો.

જજને એ વાતનો સંદેહ થયો કે તો પછી પ્રભુ સફાઈ કર્મચારીમાંથી પટાવાળો કેવી રીતે બની ગયો? જે પછી સંપૂર્ણ વાત બહાર આવી.

જજે પ્રભુના લખવાની તુલના તેની SSLCના આન્સર પેપર સાથે કરવાની પણ વિનંતી કરી હતી.  પ્રભુએ દાવો કર્યો હતો કે તેણે 2017-18માં જિલ્લાના બનહટ્ટીમાં એક ખાનગી પરીક્ષાર્થી તરીકે તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.