સરકારની 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની યોજના

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગમાં ઈ-બસ સેવા માટે રૂ. 63,000 કરોડની રકમને મંજૂરી આપી છે. સરકારની દેશનાં 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની યોજના છે. આ ઈ-બસ સેવા PPP મોડલ દ્વારા ચલાવવામાં આવશે. આ યોજનાંમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની પણ ભાગીદારી હશે. ટિયર-2,3 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરાશે.

આ શહેરોમાં ઈ-બસ સ્કીમમાં રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર આપશે. સરકાર 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરશે, જેમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરશે. સરકારે આશરે બે વર્ષ પહેલાં ઈ-બસ સેવા યોજનાનું એલાન કર્યું હતું. હજી હાલમાં જ સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ આ યોજનામાં વિલંબ બદલ સરકારની ટીકા કરી હતી. ત્યાર બાદ સરકાર એક્શનમાં આવી છે, જેનાથી આજે થયેલી કેબિનેટ બેઠકમાં આ ઈ-બસ સેવાની યોજનાની રકમને મંજૂરી આપવામાં આવી હતી. સરકારની આ યોજનાથી શેરબજારમાં ઓટો કંપનીઓના શેરોમાં તેજી આવી હતી.

આ સાથે કેબિનેટ બેઠકમાં રેલવેથી જોડાયેલા સાત પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર આશરે રૂ. 20,000 કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

વિશ્વકર્મા યોજનાને મંજૂરી

વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં વિસ્વકર્મા યોજનાનું એલાન કર્યું હતું. આ યોજનાને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેથી આ યોજના હેઠળ મિસ્ત્રી, વાળંદ અને સોનીકામ કરતા લોકોને આર્થિક મદદ કરવામાં આવશે.