નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 25 માર્ચથી લાગુ કરાયેલા અને 30 જૂન સુધી લંબાવી દેવાયેલા દેશવ્યાપી લોકડાઉનના સંદર્ભમાં કેટલીક ચીજવસ્તુઓ તથા સેવાઓની હોમ ડિલિવરી માટે કેન્દ્ર સરકારે છૂટ આપી છે. હવે સરકાર ગ્રાહકોની સુવિધા માટે પેટ્રોલ અને સીએનજી જેવા ઈંધણની પણ હોમ ડિલિવરી શરૂ કરવા વિચારે છે.
અમુક શહેરોમાં સરકારે ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી પણ દીધી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 11 રાજ્યોમાં 56 નવા સીએનજી સ્ટેશનના વર્ચુઅલ ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું કે સરકાર તમામ પ્રકારના ઈંધણ (પેટ્રોલ, ડિઝલ, સીએનજી, એલએનજી અને એલપીજી) એક જ સ્થળે ઉપલબ્ધ થાય એવી નવા જ પ્રકારની ફ્યુઅલ રીટેઈલિંગ વ્યવસ્થા શરૂ કરાવવા વિચારી રહી છે.
દેશની સૌથી મોટી ફ્યુઅલ રીટેલર કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 2018ના સપ્ટેંબરમાં એક મોબાઈલ ડિસ્પેન્સરના માધ્યમથી ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી હતી. જો કે આ સેવા હજી પણ અમુક શહેરોમાં જ ઉપલબ્ધ છે.
કહેવાય છે કે, પેટ્રોલ અને સીએનજી જેવા ઈંધણ અત્યંત જ્વલનશીલ હોવાથી એની હોમ ડિલિવરી ખૂબ જ જોખમી બનશે. તેથી સંબંધિત સત્તાવાળાઓ તરફથી મંજૂરી મેળવવી જરૂરી બનશે.