શ્રીનગરઃ કાશ્મીરી અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીને કડક સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે ગુરુવારે સાંજે સાડાચાર વાગ્યે શ્રીનગરના હૈદરપોરામાં તેમના નિવાસસ્થાન પાસે એક કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ વિધિમાં માત્ર ગિલાનીની નજીકનાં સગાંસંબંધીઓ અને પડોશીઓને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી, કેમ કે સુરક્ષા દળોએ કબરસ્તાનને સીલ કરી દીધું હતું.
કાશ્મીરમાં ત્રણ દાયકાઓથી વધુ સમયથી અલગાવવાદનો ચહેરો રહેલા ગિલાનીનું લાંબી બીમારી પછી 91 વર્ષે શ્રીનગરમાં બુધવારે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. 2010થી કથળેલા આરોગ્યને લીધે તેઓ મોટા ભાગે ઘરે જ રહેતા હતા. 2019માં જમ્મુ-કાશ્મીરમાં અર્ધસ્વાયત્ત સ્થિતિ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેમને નજરબંધ કરવામાં આવ્યા હતા અને ગયા વર્ષે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
ગિલાનીના અંતિમ સંસ્કારમાં પત્રકારોને પણ હૈદરપોરાથી જવા માટે અટકાવવામાં આવ્યા હતા. એ માટે કાશ્મીરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન બંધ કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોને કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યાં હતાં અને હૈદરપોરા જતા માર્ગોને સીલ કરવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ વાહનોને અટકાવવામાં આવ્યાં હતાં અને શ્રીનગર અથવા અન્ય મુખ્ય શહેરોમાં જતા રોકવામાં આવ્યાં હતાં.
ઇન્સ્પેક્ટર જનરલ (કાશ્મીર) વિજય કુમારે ગિલાનીના મોતના સમાચાર આવ્યા એ પછી સાવધાની રૂપે કાશ્મીરમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે અનેક નિયંત્રણો લાદ્યાં હતાં. ગિલાનીના ટેકેદારો તેમને શ્રીનગરના જૂના કબરસ્તાનમાં દફનાવવા ઇચ્છતા હતા.
