આનંદોઃ સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની IMDની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક ભાગોમાં છેલ્લા બે મહિનાઓમાં સામાન્યથી ઓછા વરસાદનો સામનો કર્યા પછી કેટલાંક રાજ્યોમાં ખેડૂતોએ ભારે વરસાદને કારણે પાકનું નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સારાએવા 115 ટકાના વરસાદની આગાહી કરી છે.

સપ્ટેમ્બરમાં ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતાં IMDના ડિરેક્ટર જનરલ એમ. મોહપાત્રાએ મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કેટલાંક ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે, પણ એ ક્ષેત્રોની ઓળખ કરવી મુશ્કેલ છે.

ઉત્તર –પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્યથી ઓછો થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ વરસવાની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મહિનાના ચોથા સપ્તાહથી વર્ષામાં ઘટાડો થશે. વળી એવી પણ શક્યતા છે કે મોન્સુનની સીઝન ઓક્ટોબરના પ્રારંભ સુધી ખેંચાય સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતમાં 15 ઓક્ટોબરે ચોમાસું પૂર્ણ થાય.

ઓગસ્ટમાં દેશમાં સામાન્યથી 24 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જે 2005 પછી સૌથી ઓછો છે. જુલાઈમાં વરસાદ ખાધ સાત ટકા હતી, જ્યારે જૂનમાં સામાન્ય વરસાદથી 10 ટકા વધુ હતી.હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં ભલે સારાએવા વરસાદની આગાહી કરી હોય, પણ એ વરસાદ 96 ટકાથી ઓછો હશે, કેમ કે ઓગસ્ટમાં ખાધ બહુ મોટી છે.