શું બિહારના મુખ્યમંત્રી આવાસમાં ભૂતનો વાસ છે?

પટના: બિહારમાં નવા વર્ષની શરુઆત સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમારની અનૌપચારિક વાતચીતે વિવાદ છેડ્યો છે. વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે વાતવાતમાં મુખ્યમંત્રી આવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે લાલુ-રાબડી અહીંથી અન્ય ઘરમાં શિફ્ટ થયાં ત્યારે જાદૂ-ટોના કરવાના બહાને દરેક જગ્યાએ પુરીઓ મુકી દીધી હતી. નીતિશના જણાવ્યા  અનુસાર ત્યારપછી લાલુ યાદવે મજાક મજાકમાં પોતે આવુ કર્યું હોવાનું સ્વીકાર્યું પણ હતું.

હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપવાની જવાબદારી રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ લીધી છે. તેમણે કહ્યું કે, લાલુજીએ એક વખત મને કહ્યું હતું કે, પટનાના દરભંગા હાઉસના કાલી માતા મંદિરમાં નીતિશ કુમારે મારક પૂજા કરાવી હતી. આ પૂજા લાલુ યાદવને લક્ષ્યમાં રાખીને કરાવવામાં આવી હતી. ત્યાંના પુજારીએ સાંભળી લીધુ હતું કે, આ પૂજા લાલુજીને નુકસાન પહોંચાડવા માટે કરાવવામાં આવી રહી છે. ત્યારપછી એ પુજારીએ આ વાતની જાણ લાલુજીને કરી હતી. કદાચ લાલુજી તરફથી પણ આ પ્રકારની તૈયારી કરવામાં આવી હતી. જોકે, મને આ બધી વસ્તુઓ પર વિશ્વાસ નથી એટલા માટે આ વાત મેં યાદ રાખી ન હતી. નીતિશજીની ભૂત વાળી વાતથી આ કહાની અચાનક મને યાદ આવી ગઈ હતી.

શિવાનંદના નિવેદન પછી હવે સમગ્ર વિવાદમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કૂદી પડ્યા છે. તેમણે કહ્યું કે, નવું વર્ષ બિહાર માટે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. જેથી તમામ નાગરિકોને દરેક પ્રકારના દુષ્પ્રચાર, અફવાઓ, અર્થવિહોણા નિવેદનો અને અંધશ્રદ્ધામાં માનનારા લોકોથી સતત સાવધાન રહેવાની જરૂર છે.
સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં 15 વર્ષ સત્તા ભોગવનાર લાલુ પ્રસાદને જ્યારે લોકોએ સત્તા પરથી દૂર કર્યા તો ઘણા સમય સુધી તેમણે મુખ્યમંત્રીનો બંગલો ખાલી નહતો કર્યો અને નીતિશ કુમારને સર્કિટ હાઉસ ખાતેથી સરકાર ચલાવવી પડી હતી. અને જ્યારે લાલુજીએ બંગલો ખાલી કર્યો તો ઘૂળ પણ સાથે લઈ ગયા હતાં. ભૂત-પ્રેત અને મંત્ર-તંત્રમાં માનનારા લાલુ પ્રસાદે પાછળથી એક તાંત્રિકને પાર્ટીનો ઉપાધ્યક્ષ બનાવી દીધો હતો. જેના પ્રજા પર ભરોસો નથી, તે રાજ્યનું ભલુ શું કરશે?