અજમેરઃ દેશમાં કેટલાંય એવાં ગામ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. બંને પોતપોતાના હિસાબે દેવી-દેવતાઓ અને અલ્લાહની પૂજા-અર્ચના કરે છે. કોઈ મંદિરમાં જાય છે તો કોઈ મસ્જિદમાં જાય છે. બીજી તરફ, દેશમાં એક એવું ગામ છે, જ્યાં એક જ પરિવારમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, જ્યાં કોઈના નિકાહ થવાના હોય તો એ પહેલાં ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાથી 10-12 કિલોમીટર એક ગામ છે. આ ગામનું નામ અજયસાર છે. આ ગામમાં રહેતા લોકોનો ધર્મ જાણવો બહુ મુશ્કેલ કામ છે. તમે પિતાના નામથી તેના પુત્રનો ધર્મ જાણી શકો અને ના તો પુત્રના નામે તેના પિતાનો ધર્મ જાણી શકો. વાસ્તવમાં આ સમાજ ના તો હિન્દુ છે ના તો મુસલમાન. આ સમાજ પૂજા પણ કરે છે ને નમાજ પણ પઢે છે. આ સમાજ વર્ષોથી હળીમળીને એકસાથે રહે છે.
ચીતા મેહરાત સમાજ
અહીં રહીમ પોતાના પુત્રનું નામ રામ રાખે છે. અને રામ પોતાના પુત્રનું નામ રહીમ રાખે છે. અહીંના લોકો દિવાળી પણ ઊજવે છે અને એ ધૂમધામથી ઈદ પણ ઊજવે છે. લોકો ઈદ પર નમાજ પઢે છે અને દિવાળીએ દીવા પ્રગટાવે છે. આ સમાજનું નામ ચીતા મેહરાત સમાજ છે. આ સમાજના લોકો રાજસ્થાનના ચાર જિલ્લાઓમાં –અજમેર, પાલી, ભીલવાડા અને રાજસમંદમાં મુખ્યત્વે વસે છે. આ સમાજના લોકોની કુલ વસતિ 10 લાખની આસપાસ છે.