મુંબઈ-ગાંધીનગર ‘વંદે ભારત’ બોરીવલી સ્ટેશને ઊભી રહેશે

મુંબઈઃ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી હાઈ-સ્પીડ અને લક્ઝરિયસ પ્રવાસ સુવિધાઓથી સંપન્ન ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને બોરીવલીનું નવું હોલ્ટ આપવામાં આવ્યું છે. ‘વંદે ભારત એક્સપ્રેસ’ જે સ્ટેશનો પર ઊભી રહે છે તે સ્ટેશનોની યાદીમાં બોરીવલીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ જાણકારી રાજ્યકક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોશે ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું છે કે પ્રવાસીઓને સફર કરવામાં રાહત મળે એ માટે વંદે ભારતને બોરીવલી સ્ટેશને પણ ઊભી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં, આ ટ્રેન બુધવારને બાદ કરતાં સપ્તાહના બાકીના તમામ દિવસોએ ચાલુ રહેશે.

ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેનનો શુભારંભ ગયા વર્ષની 30 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્ટેશન ખાતે લીલી ઝંડી બતાવીને ટ્રેનને પ્રથમ સફરે રવાના કરી હતી. તેઓ એ ટ્રેનમાં બેઠા હતા અને અમદાવાદના કાળુપુર સ્ટેશને ઉતરી ગયા હતા.