સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ શ્રીનગરમાં આજથી G20 શિખર સંમેલનનો આરંભ

શ્રીનગરઃ G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક આજે અહીં યોજાશે. એ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાને પણ અત્યંત કડક બનાવવામાં આવી છે. આ બેઠક ત્રણ દિવસ સુધીની છે. 2019માં જમ્મુ અને કશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો તે પછી શ્રીનગરમાં આ પહેલી વાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ શિખર સંમેલન માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડ્રોનની મદદથી હવાઈ નિરીક્ષણ રખાશે, બેઠકના સ્થળે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) અને MARCOS કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોઈ અનિચ્છનીય બનાવ બનતો રોકવા માટે અનેક સ્થળે જમ્મુ અને કશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. મરીન કમાન્ડોએ સુપ્રસિદ્ધ દાલ સરોવર સ્વચ્છ બનાવડાવી દીધું છે અને લાલ ચોક ખાતે એનએસજીના કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પ્રતિષ્ઠિત વિદેશી પ્રતિનિધિઓઓને આવકારવા માટે શ્રીનગર શહેરની દીવાલો અને રસ્તાઓને સુશોભિત કરવામાં આવ્યા  છે. આ કાર્યક્રમના આયોજનથી કશ્મીર પ્રદેશમાં પર્યટન અને વ્યાપાર ક્ષેત્રોને ઘણું પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતને આ વર્ષમાં G20 શિખર સંમેલનોનું યજમાન બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આખા દેશમાં તમામ શહેરોમાં G20 બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક રીતે, જમ્મુ અને કશ્મીર તથા લદાખ કેન્દ્રશાસિત પ્રદેશોને પણ એનાથી બાકાત રાખવામાં આવ્યા નથી.