મુકેશ અંબાણીએ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈ દર્શન કર્યા

મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ એમના પરિવારજનો સાથે ગઈ કાલે અહીંના પ્રભાદેવી ઉપનગરમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. એમની સાથે એમના મોટા પુત્ર આકાશ, પુત્રવધુ શ્લોકા અને પૌત્ર પૃથ્વી પણ હતાં. મુકેશભાઈએ પૌત્ર પૃથ્વીને હાથમાં તેડ્યો હતો. એમનાં આગમનની જાણ થતાં અસંખ્ય પ્રેસ ફોટોગ્રાફરો તથા સ્વતંત્ર ફોટોગ્રાફરો મંદિર ખાતે પહોંચી ગયા હતા અને મંદિરની બહાર ભીડ જમાવી હતી. અંબાણી પરિવારજનો મંદિરમાં ગણપતિ ભગવાનના આશીર્વાદ લઈને પાછા નીકળ્યાં ત્યારે એમની ફોટોગ્રાફરોએ ધડાધડ એમની તસવીરો પાડી હતી અને વિડિયો ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્લોકા મહેતા-અંબાણી બીજી વાર ગર્ભવતી બન્યાં છે.

અંબાણી પરિવારે ગયા અઠવાડિયે પણ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. એ વખતે આકાશ અંબાણી સાથે એમના પત્ની શ્લોકા અને પુત્ર પૃથ્વી પણ હતાં.