નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગયા અઠવાડિયે અહીંના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કૂલી તરીકે સેવા આપી રહેલાઓને મળ્યા હતા અને એમની સાથે ઘણી વાતો કરી હતી. કૂલીઓએ તેમની સમક્ષ કેટલીક માગણી રજૂ કરી હતી, જેમ કે એમના પગારમાં વધારો કરવામાં આવે, સુરક્ષિત રોજગારની ખાતરી આપવામાં આવે, સેવામાંથી નિવૃત્ત થાય તે પછી એમને દર મહિને રૂ.4,000-5,000 સુધી પેન્શન સુવિધા આપવામાં આવે.
કૂલીઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, ‘તબિયત ખરાબ હોય તો પણ એમણે સ્ટેશન પર પ્રવાસીઓના સામાન ઉંચકવો પડે છે, કારણ કે એમને નોકરીની સુરક્ષા મળતી નથી.’
રાહુલ ગાંધીએ કૂલીઓ સાથેની એમની મીટિંગ અને એમની સાથે કરેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
એક કૂલીએ રાહુલને એમ કહ્યું હતું કે, ‘કૂલીઓ છેક બ્રિટિશરોના જમાનાથી સ્ટેશનો પર સેવા બજાવી રહ્યાં છે.’ એક અન્ય કૂલીએ કહ્યું કે, ’40 કિલો વજન 20 મિનિટ સુધી ઉંચકવા માટે અમને 100 રૂપિયા મળે છે જે રકમ ઘણી ઓછી છે.’
રાહુલે એમને પૂછ્યું હતું કે, ‘વજન ઉંચકવાથી તમને શારીરિક રીતે વધારે કઈ તકલીફ થતી હોય છે?’ ત્યારે કૂલીઓએ કહ્યું હતું કે એમને શરીરના સાંધા, ઘૂંટણમાં તથા હાથ-પગમાં દુખાવો રહેતો હોય છે. રાહુલે જ્યારે એમને પૂછ્યું કે, ‘તમને વીમા અને તબીબી સુવિધા મળે છે?’ ત્યારે કૂલીઓએ કહ્યું કે, ‘અમને કોઈ જ સુવિધા મળતી નથી.’