આજથી નવા નિયમ અમલમાં: ગેસ સિલિન્ડર, બેન્ક ચાર્જિસ

મુંબઈઃ રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડરના બુકિંગથી લઈને રેલવેના ટાઈમ ટેબલ અને બેન્કોના ચાર્જિસ જેવી અનેક બાબતોમાં આજે, 1 નવેમ્બરથી નવા નિયમો અમલમાં મૂકાશે.

અમુક નિયમો બદલાવાથી જનતાના ખિસ્સા પર બોજો આવશે. નવા નિયમોની જાણકારી રાખવી જરૂરી છે, નહીં તો નુકસાન થઈ શકે છે. હાઈ-સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ઓનલાઈન બુકિંગનો આજથી ફરી આરંભ થયો છે.

LPG સિલિન્ડરના બુકિંગ માટે OTP

આજથી ઘરેલુ રાંધણ ગેસના બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે. ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ ફોન નંબર પર એક OTP (વન-ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. આ કોડને સિસ્ટમ સાથે મેળવવાનો રહેશે. ગ્રાહકોએ એમના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પરથી જ ગેસ સિલિન્ડર બુક કરાવવું પડશે અને એ જ નંબર પર એમને OTP મોકલવામાં આવશે. એ કોડ તેમણે ગેસ સિલિન્ડર ડિલીવર કરનાર કર્મચારીને આપવાનો રહેશે. જો એ મેચ થશે તો જ ગ્રાહકને સિલિન્ડરની હોમ ડિલીવરી કરવામાં આવશે.

બેન્કોમાં પૈસા જમા કરવા, ઉપાડવા પર ચાર્જ લાગશે

આજથી બેન્કોમાં ખાતેદારોએ એમના પોતાના પૈસા જમા કરાવવા અને ઉપાડવા ઉપર પણ ચાર્જ ચૂકવવો પડશે. બેન્ક ઓફ બરોડે તો આ નિયમને અમલમાં મૂકી પણ દીધો છે. નિશ્ચિત મર્યાદા કરતાં વધારે બેન્કિંગ કરવા પર ચાર્જ લાગશે. આજથી સેવિંગ્સ બેન્ક એકાઉન્ટના ખાતેદારો માટે મહિનામાં ત્રણ વાર પૈસા જમા કરાવવાનું મફત રહેશે, પણ ત્યારબાદ ચોથી વાર પૈસા જમા કરાવ્યા તો એમણે 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

જનધન ખાતેદારોને થોડીક રાહત છે. એમને પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ ઉપાડવા પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રેનોનું ટાઈમ ટેબલ

રેલવે વહીવટીતંત્રએ આજથી ટ્રેનો માટે નવું ટાઈમ ટેબલ અમલમાં મૂક્યું છે. ટ્રેનમાં સફર કરનારાઓએ આ જાણી લેવાની જરૂર છે. આજથી 13,000 પેસેન્જર ટ્રેનો અને 7,000 માલગાડીઓનો સમય બદલાઈ જશે. આજથી દેશમાં દોડાવવામાં આવતી 30 રાજધાની ટ્રેનોનો સમય પણ બદલાઈ જશે.

ડિજિટલ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે

આજથી લાગુ કરાયેલા નિયમ મુજબ, 50 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરવાળા વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નિયમ લાગુ કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ, ગ્રાહક કે વેપારી પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. આ નિયમ માત્ર રૂ. 50 કરોડથી વધુના ટર્નઓવર પર જ લાગુ પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]