ચંદ્રશેખર પર હુમલો કરનારા ચાર સંદિગ્ધો પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર હુમલા પછી UP પોલીસ એક્શનમાં છે. ગઈ કાલે થયેલા હુમલા પછી પોલીસે ચાર સંદિગ્ધ લોકોની અટકાયત કરી છે, જે ગાડીમાં હુમલાખોરો આવ્યા હતા, એને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. ચંદ્રશેખર પર હુમલો એ સમયે થયો, જ્યારે તેઓ દિલ્હીથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે ચંદ્રશેખર આઝાદ દેવબંદ ગયા હતા. એ સમયે અજાણ્યા લોકો તેમના કાફલા પર હુમલો કર્યો હતો. તેમની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી ચંદ્રશેખરની પીઠને અડીને નીકળી ગઈ હતી. તેમને ઘાયલ અવસ્થામાં દેવબંધની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યુ હતું કે જે સમયે હુમલો થયો હતો, ગાડીમાં પાંચ લોકો સવાર હતા. આ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ હુમલાખોરોની ગાડી સહારનપુર તરફ વળી ગઈ હતી અને તેમના કેટલાક કાર્યકર્તાઓએ આરોપીઓના ચહેરાઓ જોઈ લીધા હતા. ગાડીની ઓળખ સ્વિફટ તરીકે થઈ છે અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરીને ઓળખ કરવાનો પ્રયાસ જારી છે, કેમ ભીમ આર્મીના વડા પર હુમલો કરવામાં આવ્યો. જોકે આ હુમલા પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. સપાપ્રમુખે કહ્યું હતું કે જે રાજ્યમાં જન પ્રતિનિધિ સુરક્ષિત નથી, ત્યાં આમ જનતાનું શું થશે. આ હુમલા પર ભીમ આર્મીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.