ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગમાં ચારનાં મોત

ભટિંડાઃ પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં મળસકે ફાયરિંગમાં ચારનાં મોત થયાં છે. સેનાએ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમને સક્રિય કરી દીધી છે અને વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યો છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડ હેડ ક્વાર્ટરે જણાવ્યું હતું કે સવારે 4.35 કલાકે ફાયરિંગ થયું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયાં છે. ત્યાર બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન જારી છે.

પંજાબ પોલીસનાં સૂત્રોએ કહ્યું હતું કે આ કોઈ આતંકી હિમલો નથી. તેમણે આમાં કોઈ આંતકવાદી એન્ગલનો પણ ઇનકાર કર્યો હતો. સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ ગુલનીત સિંહ ખુરાનાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે મિલિટરી સ્ટેશનમાં કંઈક થયું છે, પણ સેનાએ આ ઘટના વિશે કોઈ માહિતી શેર નહોતી કરી. તેમણે કહ્યું હતું કૈ સેનાની આંતરિક તપાસ ઝુંબેશ જારી છે. SSP ખુરાનાએ કહ્યું હતું કે આ કોઈ આતંકવાદી હુમલો નથી, પણ લાગી રહ્યું છે કે મિલિટરી સ્ટેશનની અંદર કંઈક બનાવ બન્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એક દિવસ પહેલાં સ્ટેશનમાંથી કેટલાંક હથિયાર ગાયબ થયાં છે, જેમને શોધવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પંજાબ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આર્મી કેન્ટ ભટિંડા જિઓ મેસમાં શૂટઆઉટ થયું છે. આર્મી કેન્ટના બધા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યાં છે. આ ઘટના પાછળ કેટલાક જવાનોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેનાએ હાલમાં સ્થાનિક પોલીસને કેન્ટ વિસ્તારમાં ઘૂસવાની મંજૂરી નથી આપી.