મુર્શિદાબાદમાં બાબરી જેવી મસ્જિદની આધારશિલા મુકાશે: હુમાયુ કબીર

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્ય હુમાયુ કબીર આજે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદની આધારશિલા મૂકવાના છે. હુમાયુના સમર્થકો સવારથી જ માથા પર ઈંટો લઈને મસ્જિદના નિર્માણસ્થળે પહોંચવા લાગ્યા છે. બેલડાંગા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ, રેપિડ એક્શન ફોર્સ, BSF સહિત 3000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

મસ્જિદની તૈયારીઓ અંગે હુમાયુ કબીરે મિડિયાથી વાત કરતાં કહ્યું હતું કે બધું એકદમ ઠીક છે. 12 વાગવા દો, અને 12 વાગ્યે અહીં કુરાન પઠન શરૂ થશે. ત્યાર બાદ શિલાન્યાસ એટલે કે પાયો મૂકવામાં આવશે. મને પ્રશાસન તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

કલકત્તા હાઈકોર્ટ દ્વારા બંગાળ સરકારને મહત્વના નિર્દેશ

કલકત્તા હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં બંગાળ સરકારને આ કાર્યક્રમને લઈને કોઈ પણ સાંપ્રદાયિક અશાંતિ ન ફેલાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજોય પાલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે રાજ્યએ એ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને કડક રીતે જાળવી રાખવી જોઈએ અને લોકોને સુરક્ષિત રાખવા માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.

ભારે સુરક્ષા દળો તહેનાતરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરક્ષા અનેક સ્તરો પર ગોઠવવામાં આવી છે. CISFની 19 કંપનીઓ વિસ્તારમાં તહેનાત છે, જ્યારે રેપિડ એક્શન ફોર્સની યુનિટ્સ અને સ્થાનિક પોલીસ રેજીનગર અને આજુબાજુના વિસ્તારોમાં મુકાયેલી છે.

કબીર પાસે શુક્રવાર સાંજના સમયે રેજીનગર પોલીસ સ્ટેશનમાં અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેમ છતાં દિવસ દરમિયાન તેઓ તૈયારીઓનું નિરીક્ષણ કરતા રહ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હાજર લોકોને લગભગ 30,000 બિરયાનીના પેકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે કાર્યક્રમ શાંત અને બિનરાજકીય રહેશે. આ વિસ્તારમાં વિવિધ ધાર્મિક જૂથોના સમર્થનનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે અહીં કોઈ ભાષણ નહીં થાય, કોઈ પાર્ટીનો ઝંડો નહીં હોય, કોઈ રાજકીય વાત નહીં થાય. બે કલાક સુધી કુરાનનું પઠન થશે. આ કોઈ નવી વાત નથી.