અઢી દાયકામાં પહેલીવાર અમેઠીમાં ગાંધી પરિવારની ગેરહાજરી

ઉત્તર પ્રદેશમાં અમેઠી બેઠક લાંબા સમયથી ગાંધી પરિવારનો ગઢ બની રહી છે. 25 વર્ષમાં આ પ્રથમ વખત બનશે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે નહીં. અમેઠી બેઠક પરથી કોંગ્રેસના કે.એલ શર્મા ચૂંટણી લડશે. અઢી દાયકામાં પહેલીવાર અમેઠી બેઠક પર ગાંધી પરિવારની ગેરહાજરી જોવા મળશે. આ બેઠક સાથે કોંગ્રેસનો જુનો નાતો છે.

અમેઠી લોકસભા બેઠકનો ઈતિહાસ

અમેઠી લોકસભા સીટના ઈતિહાસ પર નજર કરીએ તો આ સંસદીય સીટ પર મોટાભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ઈન્દિરા ગાંધીથી લઈને હવે રાહુલ ગાંધી સુધી અમેઠીની જનતાએ કોઈપણ અન્ય પાર્ટી કરતા કોંગ્રેસ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્વતંત્ર ભારતમાં 1952માં પ્રથમ વખત લોકસભા ચૂંટણીની રચના કરવામાં આવી હતી. જો કે, એ સમયે અમેઠીને સુલતાનપુર દક્ષિણ લોકસભા બેઠકનો ભાગ માનવામાં આવતું હતું.  જ્યાંથી કોંગ્રેસના બાલકૃષ્ણ વિશ્વનાથ કેશકર સાંસદ બન્યા હતા. 1957 માં આ વિસ્તાર મુસાફિરખાના લોકસભા સીટનો ભાગ બન્યો અને કેશકર એ સમયે પણ એના સાંસદ રહ્યા.

1962ની લોકસભા ચૂંટણીમાં  રાજા રણજય સિંહ કોંગ્રેસની ટિકિટ પર મુસાફિરખાના લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા. અમેઠી લોકસભા સીટ 1967ની સામાન્ય ચૂંટણીમાં અસ્તિત્વમાં આવી હતી. આ નવી સીટ પર કોંગ્રેસના વિદ્યાધર વાજપેયી સાંસદ બન્યા હતા. ત્યાર બાદ એમણે ભાજપના ગોકુલ પ્રસાદ પાઠકને 3,665 વોટથી હરાવ્યા હતા. આ પછી વિદ્યાધર વાજપેયી ફરી 1971માં અમેઠીના સાંસદ બન્યા.

1977માં કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજા રણંજય સિંહના પુત્ર સંજય સિંહને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પરંતુ એ પછી તેઓ જનતા પાર્ટીમાંથી ચૂંટણી હારી ગયા અને ભારતીય લોકદળના રવીન્દ્ર પ્રતાપ સિંહ સાંસદ તરીકે ચૂંટાયા. આ પહેલીવાર હતું જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 1980માં કોંગ્રેસે ફરી એકવાર આ બેઠક પરથી જીતનો ઝંડો લહેરાવ્યો જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી અહીંથી સાંસદ બન્યા.

23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીના અવસાન પછી, ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધીએ 1981ની પેટાચૂંટણીમાં અમેઠીની બાગડોર સંભાળી. આ પછી રાજીવ ગાંધી ફરી એકવાર 1984ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી ઉમેદવાર બન્યા. એમણે જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહને 1,278,545 મતોના માર્જિનથી હરાવ્યા. 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધી ફરી એકવાર અમેઠીથી કોંગ્રેસની સીટ પર સાંસદ બન્યા.

પ્રચાર માટે ગયેલા રાજીવ ગાંધીની હત્યા

1991ની લોકસભા ચૂંટણી દરમિયાન, પ્રથમ તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. 21 મેના રોજ રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે તમિલનાડુ ગયા હતા. આ દરમિયાન એમની હત્યા કરવામાં આવી હતી. અમેઠી લોકસભા સીટ પર 1991 અને 1996માં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના સતીશ શર્મા સાંસદ બન્યા હતા. જો કે, 1998માં  કોંગ્રેસને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો જ્યારે ભાજપના ઉમેદવાર સંજય સિંહે સતીશ શર્માને 23,270 મતોથી હરાવ્યા.

સોનિયા ગાંધી 1999માં ચૂંટણી જીત્યા

1999માં રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને સંજય ગાંધીને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ પછી, 2004ની 14મી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ BSP ઉમેદવાર ચંદ્રપ્રકાશ મિશ્રાને 2,90,853 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2009માં પણ રાહુલ અમેઠી બેઠક પરથી જીત્યા હતા. આ વખતે જીતનું માર્જિન 3,50,000થી વધુ હતું. 2014માં રાહુલ ગાંધી સતત ત્રીજી વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એમની સામે ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી હતી. જો કે, ત્યારે જીતનું માર્જીન માત્ર 1,07,000 વોટ હતું. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અમેઠી બેઠક કબજે કરી હતી અને રાહુલ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો.