ઓપરેશન સિંદૂરમાં પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી માર્યા ગયા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” અંતર્ગત 7 મેએ પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો, જેમાં મુદસ્સર ખાદિયાન ખાન ખાસ, હાફિઝ મોહમ્મદ જમિલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ (અબુ અકાશા) અને મોહમ્મદ હસન ખાન – પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા, એમ ગુપ્તચર એજન્સીઓનો અહેવાલ કહે છે.

મોહમ્મદ જમિલ અને યુસુફ અઝહર બંને મૌલાના મસૂદ અઝહરના સાળા હતા. મુદસ્સર ખાદિયાન લશ્કર-એ-તૈયબાના મુરીદકે સ્થિત મુખ્યાલય ‘મરકઝ-તૈયબા’નો વડા હતો. યુસુફ અઝહર IC-814 હાઈજેક કેસમાં વોન્ટેડ હતો અને હસન ખાન પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કશ્મીરીનો પુત્ર હતો.

હવે ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો વિગતવાર પરિચય

  1. મુદસ્સર ખાદિયાન ખાસ ઉર્ફે અબુ જુંદાલ
    તે લશ્કર-એ-તૈયબાથી જોડાયેલો હતો. મુરીદકેમાં આવેલા લશ્કરના મુખ્યાલય ‘મરકઝે તૈયબા’નો પ્રમુખ હતો. પાકિસ્તાની સેનાએ તેને ગાર્ડ ઓફ ઓનર આપી હતી. તેની નમાજ-એ-જનાઝા એક સરકારી શાળામાં પઢવામાં આવી, જેમાં JUD (જમાત ઉદ દવા – એક વૈશ્વિક આતંકવાદી સંગઠન)નું નેતૃત્વ હાફિઝ અબદુલ રઉફે કર્યું હતું. પાકિસ્તાની સેનાના વડા જનરલ અસિમ મુનીર અને પંજાબની CM મરિયમ નવાઝે તેના માટે દુઆ પઢી. તેના નમાજ-એ-જનાઝામાં પાક સેનાના એક સેવાનિવૃત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના IG અબુ ઝુંદાલ પણ હાજર રહ્યા હતા.
  2. હાફિઝ મોહમ્મદ જમિલ
    જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો અને મૌલાના મસૂદ અઝહરના સૌથી મોટો સાળા હતો. તે બહાવલપુર સ્થિત જૈશના હેડક્વાર્ટર ‘મરકઝ સુભાન અલ્લાહ’નો ઇન્ચાર્જ હતો, જેને ભારતીય સેનાએ 7 મેની એર સ્ટ્રાઈકમાં નષ્ટ કરી દીધું હતું. તે યુવાનોને કટ્ટરપંથી વિચારો દ્વારા બ્રેઇનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલતો હતો અને જૈશ માટે નાણાં એકત્ર કરવામાં સક્રિય હતો.
  3. મોહમ્મદ યુસુફ અઝહર
    મોહમ્મદ યુસુફ અઝહરને ઉસ્તાદ જી, મોહમ્મદ સલીમ અને ઘોસી સાહેબ તરીકે પણ ઓળખવામાં આવતો. તે જૈશનો મુખ્ય કમાન્ડર હતો અને મસૂદ અઝહરનો સાળા હતો. તે જૈશ માટે શસ્ત્ર તાલીમની જવાબદાર હતો. યુસુફ અઝહર કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલો હતો અને IC-814 કંધાર હાઈજેક કેસમાં ભારતને તેની તલાશ હતી.
  4. ખાલિદ ઉર્ફે અબુ અકાશા
    તે લશ્કર-એ-તૈયબાથી જોડાયેલો હતો. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યો હતો. તેની ભૂમિકા અફઘાનિસ્તાન મારફતે હથિયારની સ્મગલિંગમાં મહત્વની હતી. તેને ફૈસલાબાદના એક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. તેના નમાજ-એ-જનાઝામાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.
  5. મોહમ્મદ હસન ખાન
    તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો. તે પાકિસ્તાનમાં જૈશના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કશ્મીરીનો પુત્ર હતો.